અંકલેશ્વર-ભરૂચમાં એરપોર્ટ જેવા ST બસ ડેપો બનશે:રૂ.14 કરોડના ખર્ચે બે ડેપોનું નવીનીકરણ, મુસાફરોને મળશે 25 આધુનિક સુવિધાઓ



સમીર પટેલ, ભરૂચ
ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ દ્વારા રાજ્યના વિવિધ બસ ડેપોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત અંકલેશ્વર શહેર અને ભરૂચ નર્મદા ચોકડી નજીક આવેલ જીએનએફસી બસ ડેપોનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે.
આ બંને પ્રોજેક્ટનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જીએનએફસી બસ ડેપોનું નવીનીકરણ રૂ. 2.67 કરોડના ખર્ચે કરવામાં આવશે. જ્યારે 50 વર્ષ જૂના અંકલેશ્વર શહેર ડેપો અને વર્કશોપનું નવીનીકરણ રૂ. 11.54 કરોડના ખર્ચે થશે.
જીએનએફસી ડેપોનું કામ 11 મહિનામાં પૂર્ણ થશે. અંકલેશ્વર ડેપો અને વર્કશોપનું કામ 18 મહિનામાં પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન બંને સ્થળે હંગામી ડેપો કાર્યરત રહેશે.
નવીનીકરણ બાદ બંને બસ ડેપોમાં મુસાફરોને એરપોર્ટ જેવી 25 આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે. આ પ્રોજેક્ટથી મુસાફરોને વધુ સારી સેવાઓ મળશે અને એસટી બસ મુસાફરી વધુ આરામદાયક બનશે.




