
રાજપીપળા વિજય પેલેસ ખાતે શાળાના બાળકોને હેરિટેજ વારસા અંગે માહિતી આપી જાગૃત કરાયા
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદાના રાજપીપળા સ્થિત વિજય પેલેસ ખાતે, INTACH (ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ) દ્વારા ઐતિહાસિક વારસાના સંરક્ષણ અને જાગૃતિ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક લોકોમાં આપણા પ્રાચીન મહેલો, હવેલીઓ અને સાંસ્કૃતિક સ્થળોની જાળવણીની જરૂરિયાત વિશે ઊંડી સમજણ વિકસાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન, બાળકો અને યુવાનો માટે ખાસ સત્રો યોજાયા, જેમાં તેમને વારસા સંરક્ષણની જવાબદારીનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. તેમજ ભવિષ્યની પેઢીઓ સુધી આ સમૃદ્ધ ધરોહર પહોંચાડવા પર ભાર મુકાયો.
આ પ્રસંગે રાજપીપળા રાજપરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા. જે વિજય પેલેસ એક સમયે રાજવી નગરી રાજપીપળાની મુખ્ય ઓળખ સમાન હતો, તેને સાચવવાની વાત યુવરાજે કરી હતી. રાજકુમાર અને INTACHના પ્રમુખે મીડિયાને જણાવ્યું કે, આજે જે પણ ઐતિહાસિક ઇમારતો અસ્તિત્વમાં છે, તેની જાળવણી માટે તેઓ એક વ્યાપક ઝુંબેશ ચલાવી રહ્યા છે. જે અંતર્ગત શાળાના બાળકોને ઐતિહાસિક હેરિટેજ વારસા વિશે માહિતી આપવામાં આવી અને તેની જાળવણી અને જતન કઈ રીતે કરવું અને પર્યાવરણની જાળવણી કરવી સહિત સમજ આપવામાં આવી





