GUJARAT
શિનોરનાં ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગાયકવાડી ઘરેણાંઓનો શૃંગાર કરાયો
ફૈઝ ખત્રી...શિનોર વડોદરા જિલ્લાના શિનોર તાલુકા મથકે નર્મદા નદીના કિનારે અતિ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર આવેલું છે.આ મંદિરમાં સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા મહારાજાની માનતા પૂરી થતાં મંદિરમાં દોઢ કરોડના સોના,હીરા, માણેક ઝવેરાતના આભૂષણો અર્પણ કરાયા હતા.આ આભૂષણો હાલ શિનોર મામલતદાર હસ્તક હોવાથી સરકારી તિજોરીમાં રાખવામાં આવ્યા છે.ત્યારે દરવર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓને પરંપરા અનુસાર ઘરેણાંઓનો શૃંગાર કરવામાં આવે છે.ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ ચતુર્થી નિમિત્તે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત સાથે આજે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓને ઘરેણાંઓનો શૃંગાર કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે શિનોર તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છેકે ઘરેણાં પહેરાવેલ મૂર્તિના દર્શન કરવાનો અનેરો આનંદ ગણેશ ભક્તોને પ્રાપ્ત થતો હોય જેને લઇને મોટી સંખ્યામાં ગણેશ ભક્તો શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.







