
- ઝઘડિયા તાલુકામાં એસએસસી બોર્ડ પરિક્ષાની શરૂઆત સમયે વાલીઓ અને વિધ્યાર્થીઓમાં ઉત્સાહ જણાયો
_________________________________
તાલુકાના ઝઘડિયા રાજપારડી અને દરિયા પરિક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરિક્ષાનો પ્રારંભ
_________________________________
ઝઘડિયા તા.૨૮ ફેબ્રુઆરી ‘૨૫
_________________________________
ગઇકાલ તા.૨૭ મીથી ધો.૧૦ અને ધો. ૧૨ ની બોર્ડ પરિક્ષાની શરૂઆત થતાં સર્વ સ્થળોએ પરિક્ષામય માહોલ જોવા મળ્યો હતો. ઝઘડિયા તાલુકામાં પણ ગતરોજ શરૂ થયેલ બોર્ડ પરિક્ષાને લઇને વિધ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતાજનક ઉત્સાહ જોવા મળ્યો હતો. ઝઘડિયા તાલુકામાં ઝઘડિયા રાજપારડી અને દરિયા ખાતે એસએસસી બોર્ડના પરિક્ષા કેન્દ્રો આવેલા છે,ઉપરાંત ઝઘડિયા ખાતે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિક્ષા કેન્દ્ર હોઇ પરિક્ષાના પ્રથમ દિવસે તાલુકાના બધા પરિક્ષા કેન્દ્રો ખાતે પરિક્ષા શરૂ થવાના સમય અગાઉ વિધ્યાર્થીઓની ભીડ જોવા મળી હતી,ઉપરાંત કેટલાક વાલીઓ પણ પરિક્ષા આપનાર પોતાના બાળકોને શુભેચ્છા સાથે પરિક્ષા કેન્દ્ર ખાતે મુકવા આવેલ હોવાનું પણ જોવા મળ્યું હતું. ઝઘડિયાની દિવાન ધનજીશા હાઇસ્કુલ ખાતે ધો.૧૦ ના પરિક્ષા કેન્દ્રમાં વિધ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ એસએસસી બોર્ડ પરિક્ષાના પ્રથમ દિવસે કુલ બે યુનિટમાં ૨૪ બ્લોકમાં કુલ ૬૭૮ વિધાર્થીઓ હતા. જ્યારે તા.૧ લીએ કુલ ૬૬૦,તા.૩ જીએ ૬૭૮,તા.૫ મીએ ૬૭૧,તા.૮ મીએ ૨૦ અને તા.૧૦ મીએ કુલ ૬૭૭ વિધ્યાર્થીઓ પરિક્ષા આપશે. ઉપરાંત ઝઘડિયાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતેના પેટા કેન્દ્ર ખાતે પણ વિધ્યાર્થીઓ બોર્ડ પરિક્ષા આપી રહ્યા છે. ઝઘડિયા દિવાન ધનજીશા હાઇસ્કુલ ખાતે ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિક્ષા કેન્દ્ર ખાતે પણ શાંતિમય માહોલ વચ્ચે પરિક્ષાનો પ્રારંભ થયો હતો. રાજપારડીની ડી.પી.શાહ વિધ્યામંદિર હાઇસ્કુલ તેમજ પાણિની પ્રજ્ઞા પરબ શાળા ખાતે એસએસસી બોર્ડની પરિક્ષાનો ઉત્સાહ અને શાંતિમય વાતાવરણ વચ્ચે પ્રારંભ થયો હતો.પ્રથમ દિવસે ગુજરાતીનું પેપર પ્રમાણમાં સહેલું આવ્યું હોવાની લાગણી વિધ્યાર્થી આલમમાં જોવા મળી હતી. રાજપારડી કેન્દ્રમાં ડી.પી.શાહ વિધ્યામંદિર હાઇસ્કુલ ખાતે પરિક્ષાના પ્રથમ દિવસે કુલ બે યુનિટમાં કુલ ૬૩૧ પૈકી ૬૨૪ વિધ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.રાજપારડી કેન્દ્રમાં રાજપારડી ઉપરાંત આસપાસના અન્ય ગામોની શાળાઓના વિધ્યાર્થીઓ ધો.૧૦ ની બોર્ડ પરિક્ષા આપે છે. જ્યારે તાલુકાના દરિયા ખાતેના ધો.૧૦ ના પરિક્ષા કેન્દ્ર ખાતે એક યુનિટમાં દસ બ્લોકમાં પરિક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મળતી વિગતો મુજબ દરિયા પરિક્ષા કેન્દ્ર ખાતે દરિયા તલોદરા આમલઝર મોટાસોરવા તેમજ ધારોલી શાળાઓના વિધ્યાર્થીઓ ધો.૧૦ ની પરિક્ષા આપી રહ્યા છે.
ઈરફાનખત્રી
રાજપારડી


