
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે ફરી એકવાર ધર્માંતરણના મુદ્દે ભારે ગરમાવો જોવા મળ્યો છે.સાપુતારાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ‘ટેબલ પોઈન્ટ’ પર જાહેરમાં ખ્રિસ્તી પ્રાર્થના અને ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલી રહી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક જાગૃત નાગરિકો અને પ્રવાસીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ ઘટનાને પગલે પ્રવાસન ધામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ, સાપુતારાના ટેબલ પોઈન્ટ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.આ દરમિયાન કેટલાક લોકોના સમૂહ દ્વારા જાહેરમાં ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના કરવામાં આવી રહી હતી.અહીં હાજર રહેલા કેટલાક જાગૃત નાગરિકો અને બહારથી આવેલા પ્રવાસીઓની નજર આ પ્રવૃત્તિ પર પડી હતી. ત્યારે ચર્ચા અને આક્ષેપ છે કે, એક પાસ્ટર દ્વારા ભોળી આદિવાસી જનતાને એકઠી કરી તેમને ધર્મ પરિવર્તન માટે પ્રેરી રહ્યા હતા.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું હતું કે, એક જાગૃત નાગરિક દ્વારા પાસ્ટરને આકરા સવાલો કરવામાં આવી રહ્યા છે. નાગરિક પૂછી રહ્યો છે કે, “તમે પોતે હિન્દુ હોવા છતાં અન્ય ધર્મનો પ્રચાર કેમ કરો છો? શા માટે ભોળી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છો?” સામે પક્ષે પાસ્ટર દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો હતો કે તેઓ માત્ર ઈશ્વરની પ્રાર્થના કરે છે અને જે લોકો દુઃખી છે તેમને સાજા કરવાનું કામ કરે છે. જોકે, આ દલીલોથી સંતોષ ન થતા મામલો વધુ બિચક્યો હતો.આ ઘટનાની જાણ થતા જ સાપુતારા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થળ પર વધતી જતી ધમાચકડીને શાંત પાડવા માટે પોલીસે બંને પક્ષોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા. પોલીસ મથકની બહાર પણ લોકોના ટોળા ઉમટ્યા હતા અને મામલો વધુ ગરમાયો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રવાસન ધામો પર આ પ્રકારે ભોળી જનતાને લાલચ આપી કે ચમત્કારોની વાતો કરી ધર્માંતરણ કરાવવાનું મોટું નેટવર્ક સક્રિય થયું છે.ત્યારે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બની ખરેખર ધર્માંતરણનો પ્રયાસ હતો કે કેમ તે દિશામાં તપાસ કરે તેવી માંગ ઉઠી છે..





