Rajkot: કેદીઓમાં યોગના માધ્યમથી સકારાત્મક પરિવર્તન અને મેદસ્વિતા મુક્તિ લાવવાનો પ્રયાસ
તા. 8/10/2025
વાત્સલયમ્ સમાચાર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે નિ:શુલ્ક યોગ શિબિરનો પ્રારંભ
Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે ગત તા. ૦૨ ઓક્ટોબરથી બંદીવાનો માટે નિ:શુલ્ક યોગ શિબિરનો પ્રારંભ થયો છે. ગાંધી જયંતીથી શરૂ થયેલી આ શિબિર આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં યોગ બોર્ડના પ્રશિક્ષિત યોગ ટ્રેનર્સ દ્વારા દરરોજ સાધકોને ધ્યાન, પ્રાણાયામ, યોગાસનો અને સૂર્ય નમસ્કાર કરાવવામાં આવે છે. સાથેસાથે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાનને સાર્થક કરવાના હેતુસર સ્થૂળતાને દૂર કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે.
ઇસ્ટ ઝોન કો-ઓર્ડીનેટર શ્રી મીતાબેન તેરૈયાએ જણાવ્યું હતું કે, જેલના કેદીઓ અને સ્ટાફની માનસિક તથા શારીરિક સ્વાસ્થ્યની સ્થિતિ સુદ્રઢ બને તથા કેદી જેલમાંથી બહાર આવી સારા નાગરિક તરીકે જીવન જીવે, તેવા આશયથી આ યોગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આશરે ૧૫૦ કેદીઓ લાભ લઈ રહ્યાં છે. આમ, રાજ્ય યોગ બોર્ડ દ્વારા કેદીઓમાં યોગના માધ્યમથી સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.