AHAVADANGGUJARAT

ડાંગ:આગામી તા.૧ જુલાઇ થી ૧૫ જુલાઈ દરમિયાન જિલ્લાના આદિજાતિ ગામોમાં જાગૃતિ અને લાભ વિતરણ કેમ્પ યોજાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ,આહવા:તા.૨૫. દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાગી વિકાસને વેગવંતો બનાવવા જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN) અને ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA- JGUA) શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન હેઠળ ડાંગ જિલ્લાના આદિમજુથ સહિત તમામ આદિજાતિ લોકોને સરકારશ્રીની વિવિધ માળખાગત તથા વ્યક્તિગત યોજનાઓથી લાભાન્વીત કરવાનો લક્ષ્યાંક છે.

ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ ૧ જુલાઇ થી ૧૫ જુલાઇ ૨૦૨૫ દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં “ધરતી આબા અભિયાન – જાગૃતિ અને લાભ વિતરણ કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ (PM-JAY), જાતિ/રહેવાસી પ્રમાણપત્ર, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), પીએમ-કિસાન જનધન ખાતું, વીમા કવર (PMJJBY/ PMSBY) વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન રોજગારી અને આવક આધારિત યોજનાઓ (મનરેગા, પીએમ વિશ્વકર્મા, મુદ્રા લોન) મહિલાઓ અને બાળકો માટે પીએમમેવાય, આંગણવાડી લાભ, રસીકરણ વગેરે કામગીરી કરવામાં આવનાર છે.

વધુમાં, પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN) અને ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA- JGUA)  હેઠળ સક્ષમ માળખાગત સુવિધાઓનો વિકાસ, આદિજાતિ લોકોને રહેવા માટે પાક્કા ઘર, લોકોની સુવિધા માટે પાક્કા રસ્તાઓ, અંતરિયાળ ગામોને મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્ટિવીટી ઉપલબ્ધ કરાવવી, આરોગ્ય, પોષણ અને શિક્ષણની સુવિધા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપબ્ધ કરાવવું. તેમજ, આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન, આ લક્ષ્ય અંતર્ગત આદિજાતિ લોકોને સ્કીલ ઇન્ડિયા મિશન અંતર્ગત તાલીમ પુરી પાડવી, ટ્રાયબલ મલ્ટિ-પર્પઝ માર્કેટિંગ સેન્ટર દ્વારા માર્કેટિંગ સપોર્ટ આપવો, હોમ-સ્ટે અંતર્ગત પ્રવાસન દ્વારા વેગ આપવો તેમજ એફ.આર.એ. પટ્ટાધારકોને ખેતી, પશુપાલન અને મત્સ્ય પાલન દ્વારા લાભ આપવો. સાથે, સારા શિક્ષણની સુવિધા, આ લક્ષ્ય અંતર્ગત જિલ્લા/તાલુકા સ્તરે ટ્રાયબલ હોસ્ટેલ અને સ્કૂલ બનાવીને આદિજાતિ બાળકો માટે શિક્ષણની સુવિધા સુલભ બનાવવી.

આ ઉપરાંત, સ્વસ્થ જીવન અને પ્રતિષ્ઠિત જીવન, આ લક્ષ્ય અંતર્ગત આદિજાતિ લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્યની સુવિધા ઉપલ્બધ કરાવવી, જ્યાં ૧૦ કિમીથી વધુ અંતરે અને પહાડી વિસ્તારોમાં ૫ કિમીથી વધુ અંતરે સબ-સેન્ટર છે તેવા વિસ્તારોમાં મોબાઇલ મેડિકલ વાન ઉપલબ્ધ કરાવવી વગેરે જેવી વિવિધ સુવિધાઓનો આગામી ૦૫ વર્ષમાં ૧૦૦% લક્ષ્યાંક હાંસલ કરવાનો ધ્યેય નક્કી કરેલ છે. તેમ ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!