Rajkot: એન.ડી.આર.એફ. ની ટીમ આવી પહોંચી, તંત્રની સતર્કતા – આગજની સહિતના સંભવિત બનાવોની મોકડ્રિલ યોજાઈ

તા.૨૪/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: આવતી કાલથી રાજકોટનો લોકમેળો શરુ થવા જઈ રહ્યો છે, ત્યારે કલેકટર શ્રી પ્રભવ જોશી, અમલીકરણ સમિતિની ટીમ, ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓએ મેળાના સુચારુ આયોજન અંગે સ્થળ મુલાકાત કરી હતી.
કલેકટરશ્રીએ મેઈન એન્ટ્રી ગેટ, સ્ટેજ, સરસ મેળો, વોક-વે અને સ્ટોલ્સની કામગીરી નિહાળી હતી. તેમજ મેળામા કોઈ પણ પ્રકારની ક્ષતિ ના રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. મેળામાં લોકો શાંતિથી ફરી શકે તે માટે અને રસ્તામાં તેમને કોઈ પણ અડચણ ના રહે તેની ખાસ તકેદારી રાખવા અને લાઇટિંગ, એલ.ઈ.ડી. સ્ક્રીન, પોલીસ બંદોબસ્ત અંગે જવાબદાર અધિકારીઓને બારીકાઈથી સમયબધ્ધ કામગીરી પૂર્ણ કરવા સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
આ પૂર્વે મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો ડિઝાસ્ટર વિભાગ કેવી રીતે સમયસર કામગીરી કરશે તે અંગે મોકડ્રિલ પણ યોજાઈ હતી. જેમાં ફાયર, 108, પોલીસ સહિતના વિભાગો જોડાયા હતાં.
મેળામાં ઉપસ્થિત થઈ શકતી કોઈ પણ પ્રકારની સંભવિત દુર્ઘટનાને પહોંચી વળવા ડિઝાસ્ટર ટીમ ઉપરાંત એન.ડી.આર.એફ. ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આજરોજ 30 જવાઓ સાથે આ ટીમ સ્થળ પર પહોંચી ચુકી છે.
મુલાકાત સમયે અધિક નિવાસી કલેકટર શ્રી ચેતન ગાંધી, પ્રાંત અધિકારી શ્રી ચાંદની પરમાર, એસ.સી.પી. શ્રી રાધિકા બારાઈ, એ.સી.પી. શ્રી ગઢવી, આરોગ્ય, ૧૦૮, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ સહિતના વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીયછે કે આવતી કાલે સાંજે ૪:૩૦ કલાકે મેળાનું ઉદ્ઘાટન મંત્રીશ્રી રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવશે.





