
તા.૩૦.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ કૉલેજમાં “સ્ટ્રેસ મેનેજમેન્ટ” અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો
કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ઝાલોદમાં તા 30.07.2025ને બુધવારના રોજ કૉલેજના આચાર્ય ડૉ. એ. આર. મોદીના વિશેષ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ વર્તમાન પરિસ્થિતિમાં કેવી રીતે તણાવ મુક્ત જીવન જીવી શકે તે હેતુથી “સ્ટ્રેસ મેનેજમેન્ટ” વિષયક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે દાહોદ જિલ્લાના આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોશી તથા તેમની સાથે કરંબાના આયુર્વેદ મેડિકલ ઓફિસર અલકાબેન બારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં કૉલેજના આચાર્યએ આ બંને મહાનુભાવોનું શાબ્દિક તથા પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કરી તેમને આવકાર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમના શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાય તથા કામ અને જીવન શૈલીમાં બેલેન્સ રાખી કેવી રીતે માનસિક બીમારીઓથી બચવું એ અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ડૉ. સુધીર જોશીએ વિદ્યાર્થીઓને સ્ટ્રેસના પ્રકારો, સાચા પ્રકારનો સ્ટ્રેસ તથા ઉભા કરેલા સ્ટ્રેસનો ભેદ, આધુનિક જીવનશૈલીમાં વધતા જતા તણાવ, તેના ચિહ્નો, તણાવની ટૂંકા અને લાંબા ગાળાની માનસિક તથા શારીરિક સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો તથા તેના દુષ્પરિણામો વગેરે અંગે વિસ્તૃત સમજણ આપી હતી. આ ઉપરાંત તેમણે સ્ટ્રેસ નિવારણ માટે જીવન શૈલીમાં બદલાવ, યોગા, મેડીટેશન અને આયુર્વેદિક વસ્તુઓના ઉપયોગ થકી ઉત્તમ સ્વાસ્થ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગે સૂચનો પણ આપ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં કૉલેજના અધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે અઘ્યાપક – વિદ્યાર્થી પ્રતિભાવની સાથે સાથે પ્રશ્નોત્તરી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.બહાદુરસિંહ ગોહિલે કર્યું હતું તથા આભાર દર્શન ડૉ. વાય.પી. ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.




