આચાર્યા-શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની સહિયારી જહેમત રંગ લાવી

*ધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા.શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ*
*શાળાની વિદ્યાર્થિની આરતી રાઠોડે ૯૯.૫૨ પી.આર. સાથે આંકડાશાસ્ત્ર વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું*
જામનગર (ભરત ભોગાયતા)
જામનગરની ગૌરવશાળી અને ઐતિહાસિક મા.શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલે ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે પોતાનો ડંકો વગાડ્યો છે. જિલ્લાની એકમાત્ર સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ, જ્યાં ધોરણ ૯ થી ૧૨ સુધી ૭૦૦ થી ૯૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ વિનામૂલ્યે શિક્ષણ મેળવે છે, તેણે ગુજરાત બોર્ડના માર્ચ-૨૦૨૫ના ધોરણ ૧૨ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના પરિણામોમાં અસાધારણ સફળતા હાંસલ કરી છે.છેલ્લા પાંચ વર્ષના પરિણામોની સરખામણીમાં માર્ચ-૨૦૨૫નું પરિણામ સર્વશ્રેષ્ઠ રહેતા શાળાના આચાર્યાશ્રી બીનાબેન દવે સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થિનીઓ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં ધો.૧૨ સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ ત્રણેય પ્રવાહનું આ સર્વશ્રેષ્ઠ પરિણામ છે, જેમાં શાળાએ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૧૦૦% અને ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૯૧.૭૪% પરિણામ મેળવ્યુ છે.માર્ચ-૨૦૨૫ના પરિણામમાં શાળાની વિદ્યાર્થિનીઓએ અસાધારણ સિદ્ધિઓ મેળવી છે, જેમાં ૦૧ વિદ્યાર્થિનીએ A1 ગ્રેડ તથા ૧૭ વિદ્યાર્થિનીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.
શાળાની વિદ્યાર્થિની આરતી રાઠોડે ૯૯.૫૨ પી.આર. સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. જેમાં તેમણે આંકડાશાસ્ત્ર વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે.સાથે જ શાળાની અન્ય વિદ્યાર્થિની ચંદ્રપાલ માનસીએ ૯૦.૬૬ પી.આર સાથે B1 ગ્રેડ મેળવ્યો છે.તેમણે બાયોલોજી વિષયમાં ૧૦૦ માંથી ૯૪ ગુણ મેળવ્યા છે.
આ ભવ્ય સફળતા માટે શાળાના આચાર્યાશ્રી બીનાબેન દવે અને તમામ શિક્ષકોની નિષ્ઠા અને વિદ્યાર્થીનીઓની મહેનત રંગ લાવી છે. આ પરિણામ અન્ય વિદ્યાર્થીનીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
0000000





