
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આ સેમિનારમાં મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ડાંગ-આહવા શ્રી વિશાલ માવાણી, બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી મંગળભાઈ ગાવિત તથા બેંકના અધિકારીશ્રીઓ તેમજ ૮૦ થી વધુ દૂધ તથા સેવા સહકારી મંડળીઓના હોદ્દેદારો હાજર રહ્યાં હતાં.
આ પ્રસંગે મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ડાંગ-આહવા દ્વારા “સહકાર થી સમૃદ્ધિ”ના સંકલ્પ વિશે, સહકારી બેંકમાં ખાતા ખોલાવવા તેમજ ઘર આંગણે ગામની મંડળીમાં આપવામાં આવેલ માઇક્રો એટીએમનો ઉપયોગ કરવાની સમજ આપવામાં આવી હતી.
માઇક્રો એટીએમ દ્વારા દરેક સભાસદને તેમના ગામમાં જ બેંકિંગ સેવા મળી રહે છે. તેના માટે વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લી.ના ડાંગ જિલ્લામાં ૮૯ જેટલા માઇક્રો એટીએમ દૂધ મંડળીઓને ફાળવવામાં આવેલ છે. જેના દ્વારા દૂધ મંડળીના સભાસદોને તેમના દૂધના નાણાં ઉપાડ કરવા માટે તેમની મંડળીમાં જ સુવિધા મળી રહે તેમજ પોતાના રોકડ રૂપિયા માઇક્રો એટીએમ દ્વારા બેંક ખાતામાં જમા પણ કરાવી શકે છે.
મહિલાઓ સંચાલિત વાનરચોંડ દૂધ ઉત્પાદક સ.મં.લી.ના મંત્રી શ્રી યોગેશભાઈ બિરારી તેમજ મહિલાઓ સંચાલિત ભગવતી બારખાંધ્યા દૂધ ઉત્પાદક સ.મં.લી.ના મંત્રી શ્રી રાજુભાઈ પાલવે હાલમાં માઇક્રો એટીએમના ઉપયોગ દ્વારા ગામમાં બેંકિંગ સુવિધા પૂરી પાડે છે. તેમણે લાઇવ ટ્રાન્ઝેક્શન કરી માઈક્રો એટીએમનો ઉપયોગ સરળ અને સહેલું છે તેનાથી લોકોને માહિતગાર કર્યા હતાં.
વલસાડ ડિસ્ટ્રિક્ટ બેંકના અધિકારીશ્રીઓ દ્વારા ખૂબ જ આવશ્યક હોય તેવા નજીવા આધાર પુરાવાઓ લઈ સરળતાથી “૦” ઝીરો બેલેન્સ થી ખાતુ ખોલી આપવા અંગે માહિતી આપેલ છે. બેંક દ્વારા આ કામગીરી માટે સહકારી મંડળીના સંકલનમાં રહી ૫ જેટલા બેંક સહાયકોની નિમણૂંક કરવામાં આવેલ છે. ડાંગ જિલ્લાના સહકારી મંડળીઓના સભાસદોને બેંક ખાતા ખોલાવવા અંગેની કામગીરી માટે આવતા બેંકના કર્મચારીઓને સહકાર આપવા અનુરોધ કરાયો છે.




