Rajkot: ૧૩ ફેબ્રુઆરી “વિશ્વ રેડિયો” દિવસ, રેડિયો અને ક્લાયમેટ ચેન્જ થીમ સાથે કરીએ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી

તા.૧૨/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : જીતેન્દ્ર નિમાવત
મલ્ટીમીડિયાના સમયમાં પણ રેડિયો દ્રારા શ્રોતાઓ સુધી પહોંચે છે માહિતી સાથે મનોરંજન
Rajkot: દર વર્ષે તા.૧૩ ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરેક દિવસ ખાસ હોય છે અને તેનુ પોતાની રીતે અલગ મહત્વ હોય છે. ત્યારે મલ્ટીમીડિયાના આ સમયમાં માહિતી, શિક્ષણ અને મનોરંજન માટે રેડિયોનો એક મોટો વર્ગ આજે પણ અડીખમ છે. ગામનો ચોરો હોય, યુવવાણી હોય કે પછી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર મહિને રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ નો સંદેશ હોય, રેડિયોની લોકપ્રિયતા આજે પણ યથાવત છે.
આ વર્ષની વિશ્વ રેડિયો દિવસની થીમ રેડિયો અને ક્લાયમેટ ચેન્જ છે. આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વમાં આબોહવા પરિવર્તનના વધતા પડકારોનો સામનો સામુહિક પ્રયાસથી કરી શકાય છે, ત્યારે રેડિયો લોક જાગૃતિ ફેલાવવા માટે પ્રેક્ષકોને શિક્ષિત કરવા સામૂહિક પગલાંને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ માધ્યમ છે.
યુનેસ્કો દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨થી દર વર્ષે ૧૩ ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મલ્ટીમીડિયાના સમયમાં રેડિયો આબોહવા પરિવર્તન વિશે શ્રોતાઓની ધારણા અને વિષય સાથે જોડાયેલા મહત્વને પ્રભાવિત કરી શકે છે. ત્યારે શ્રોતાઓ પોતાના મોબાઈલના વોટ્સઅપ સ્ટેટસમાં પોતાને ગમતા રેડિયો પરના કાર્યક્રમને મૂકીને વિશ્વ રેડિયો દિવસની ઉજવણી પણ કરી શકે છે. આ ઉપરાંત ક્લાઈમેટ ચેન્જ માટે સામૂહિક પ્રયાસ કઈ રીતે કરી શકાય તે માટેના મંતવ્યો રેડિયો સ્ટેશનમાં પણ મોકલી શકાય છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરીએ..


