
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ- આંબા ગામે દીકરાના વરઘોડામાં હુમલો : ડી.જે. મુદ્દે તોડફોડ અને પથ્થરમારો, બે ઇજાગ્રસ્ત – બીજા ગામનું DJ કેમ બોલાવ્યું કહી હુમલો કર્યો
અરવલ્લી, બાયડ : અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન કાઢવામાં આવેલા વરઘોડામાં તોડફોડ અને પથ્થરમારાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનામાં બે યુવાનોને માથાના ભાગે ઇજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.ફરિયાદી રાજેશકુમાર કાન્તિભાઈ ખાંટ (રહે. આંબા ગામ, તા. બાયડ) દ્વારા બાયડ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 21 ફેબ્રુઆરી 2026ના રોજ તેમના દીકરાના લગ્ન પ્રસંગે રાત્રિના સમયે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડા માટે બિલવણીયા મુકામેથી “જય હરસિદ્ધી” નામનો ડી.જે લાવવામાં આવ્યો હતો.
વરઘોડો પટેલ ફળીયા ખાતે અંબે માતાજી મંદિર નજીક પહોંચતા ગામના કેટલાક શખ્સો સહિત આશરે દસ જેટલા લોકોનું ટોળું એકાએક ત્યાં આવી પહોંચ્યું હતું. આરોપ છે કે ટોળાએ કોઈ પૂર્વ જાણ કર્યા વગર ડી.જે.નું બેનર ફાડી નાખ્યું તેમજ સાઉન્ડ સિસ્ટમ પાછળ લગાવવામાં આવેલ લાઇટિંગમાં તોડફોડ કરી હતી.ફરિયાદી દ્વારા વિરોધ કરવામાં આવતા આરોપીઓએ ગામમાં બહારનું ડી.જે લાવવાના મુદ્દે ઉશ્કેરાઈ બિભત્સ ગાળો બોલી ધમાલ મચાવી હતી. ત્યારબાદ ટોળાએ વરઘોડામાં હાજર લોકો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં રાહુલ મુકેશભાઈ ખાંટ અને આકાશ નટુભાઈ ખાંટને માથાના ભાગે પથ્થર વાગતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદી તેમજ ડી.જે સંચાલકોને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી અને ફરી ગામમાં ડી.જે લાવશો તો ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ચેતવણી આપી ત્યાંથી ફરાર થયા હતા.આ મામલે બાયડ પોલીસે કિશનભાઈ પ્રતાપભાઈ પરમાર, શંકરભાઈ પ્રતાપભાઈ પરમાર, રાહુલભાઈ સરદારભાઈ પરમાર, સચીનભાઈ જશુભાઈ પગી, બીપીનભાઈ જશુભાઈ પરમાર તેમજ જીગર ઉર્ફે જીગો પરમાર સહિત અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ દ્વારા સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.





