BHUJGUJARATKUTCH

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે કચ્છના ગાંધીધામ ખાતે નવનિર્મિત ડ્યૂન્સ કોલેજનું ઉદ્ઘાટન.

સંપતિ કરતાં શિક્ષણને પ્રાધાન્ય આપીને બાળકોને આધુનિક યુગ મુજબનું શિક્ષણ આપીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

આચાર્ય દેવવ્રતજી : ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ વિકાસથી કચ્છની તકદીર અને તસવીર બદલીદેશ અને સમાજ શિક્ષણથી જ પ્રગતિ કરે છે.

વિશ્વના સૌથી મોટો સોલાર પાર્કના નિર્માણથી કચ્છ દુનિયામાં ગ્રીન ઊર્જાનું કેન્દ્ર બનશે.

શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારોના સિંચન અને વ્યસનમુક્તિ બાબતે ભાર મૂકતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી.

ભુજ,તા-૨૫ જૂન : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજે કચ્છના ગાંધીધામ ખાતે જગતસિંહ જાડેજા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત અને સંચાલિત ડ્યૂન્સ કોલેજનું ઉદ્ઘાટન થયું હતું. રાજ્યપાલશ્રીએ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશનથી કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસની પ્રશંસા કરી હતી. રાજ્યપાલ એ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ કચ્છના ભયાનક ભૂકંપની આપદા બાદ વિકાસની સંભાવનાઓને પારખી હતી. વર્તમાન સમયમાં વિકાસથી કચ્છની તકદીર અને તસવીર બદલવાનો શ્રેય રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનશ્રીને આપ્યો હતો. વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કના નિર્માણથી કચ્છ દુનિયામાં ગ્રીન ઊર્જાનું કેન્દ્ર બનશે તેમ રાજ્યપાલ એ જણાવ્યું હતું.ડ્યૂન્સ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યપાલશ્રીએ યુવાઓ શિક્ષણ હાંસલ કરે, વૈચારિક રીતે બૌદ્ધિક બને અને દેશના વિકાસમાં સહભાગી બને એ બાબત ઉપર ભાર મૂક્યો હતો. ગાંધીધામ પધારેલા રાજ્યપાલ નું કચ્છી પાઘડી અને કચ્છી ભરતકામથી સુશોભિત કોટી પહેરાવીને કચ્છી સંસ્કૃતિ મુજબ ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.ડ્યૂન્સ કોલેજના નવનિર્મિત ભવનના ઉદ્ઘાટન બાદ આનંદની લાગણી વ્યક્ત કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, તમામ ક્ષેત્રોમાં વિકાસની સાથે કચ્છ જિલ્લા એ શિક્ષણ ક્ષેત્રમાં પણ હરિફાઈ કરવી પડશે. ડ્યૂન્સ કોલેજમાં બી.બી.એ, બી.સી.એ અને એમ.બી.એ. જેવા કોર્સમાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ રોજગારી પ્રાપ્ત કરવા માટે કુશળ બનશે. જે.જે. એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ડ્યૂન્સ કોલેજ કચ્છમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા સાથે આ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે. રાજ્યપાલશ્રી કુરુક્ષેત્રના પોતાના શિક્ષણકાળના અનુભવોને વાગોળતાં જણાવ્યું હતું કે, દુનિયામાં કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવાનું હથિયાર શિક્ષણ બન્યું છે. માનવ જીવનમાં વિકાસનો આધાર શિક્ષણ છે. શિક્ષણની મદદથી જ કોઈપણ સમાજ અને દેશ પ્રગતિ કરે છે. બાળકોમાં શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવા તેમજ વ્યસનમુક્તિ બાબતે ધ્યાન આપવા રાજ્યપાલશ્રીએ વાલીઓને અનુરોધ કર્યો હતો. ધન- સંપતિ કરતાં શિક્ષણને સવિશેષ પ્રાધાન્ય આપીને બાળકોને આજના આધુનિક યુગ મુજબનું શિક્ષણ અપાવવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો.રાજ્યપાલ એ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાનની પ્રગતિ વિશે આનંદ સાથે જણાવતાં ઉમેર્યું હતું કે, આજે ગુજરાતમાં ૯ લાખથી વધારે ખેડૂતો ઝેરી રસાયણોથી મુક્ત પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન ઘટે છે અને આર્થિક ખોટ આવે છે તે વાતને રાજ્યપાલશ્રીએ ભ્રામક ગણાવીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. પર્યાવરણની રક્ષા થાય, લોકોને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ થાય, ઝેરી રસાયણોથી થતાં રોગોમાંથી મુક્તિ મળે તે ઉમદા આશયથી પ્રાકૃતિક કૃષિ કરવા ખેડૂતોને રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો.કાર્યક્રમ દરમિયાન જે.જે. એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડ્યૂન્સ કોલેજના પ્રોજેક્ટ હેડ સુશ્રી જ્યોતિબા જાડેજાએ સ્વાગત પ્રવચન કરીને કોલેજના મિશન અને વિઝનથી સૌને અવગત કરાવ્યા હતા. આ કોલેજના પ્રારંભથી વિદ્યાર્થીઓ ગાંધીધામના આંગણે ટેક્નોલોજી, કલા અને વિજ્ઞાનનું શિક્ષણ મેળવી શકશે. વધુમાં વિદ્યાર્થીઓ ડ્યૂન્સ કોલેજમાં અભ્યાસ કરીને પારંગત બનીને નવાચાર-સ્ટાર્ટ અપમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે તેમ સુશ્રી જ્યોતિબા જાડેજાએ વિશ્વાસ કર્યો હતો.કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ડ્યૂન્સ કોલેજના નવીન પરિસરના ઉદ્ઘાટન પ્રસંગે હર્ષની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ડ્યૂન્સ કોલેજના માધ્યમથી કચ્છને શિક્ષણક્ષેત્રે એક નવી ભેટ મળી છે. સાંસદશ્રીએ જે.જે. એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા શિક્ષણક્ષેત્રમાં નવી જ્યોત પ્રજ્વલિત કરવા માટે જાડેજા પરિવારને અભિનંદન આપ્યા હતા. વધુમાં તેઓએ રાજ્યપાલશ્રીના લોક કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસારના સંનિષ્ઠ પ્રયાસોને બિરદાવ્યા હતા.ગોલ્ડી સોલારના ફાઉન્ડર અને એમડીશ્રી ઈશ્વરભાઈ ધોળકીયાએ પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ડ્યૂન્સ કોલેજ એ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં એક અનેરૂં શિક્ષણ મંદિર બનીને ઊભરી આવશે. અહીંથી શિક્ષણ મેળવીને દેશના વિકાસ માટે યુવા પેઢી સક્ષમ બનશે એવો વિશ્વાસ શ્રી ઈશ્વરભાઈએ વ્યક્ત કર્યો હતો.ડ્યૂન્સ કોલેજના ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, જગતસિંહ જાડેજા એજ્યુકેશન ફાઉન્ડેશનના એમડીશ્રી મનદીપસિંહ જાડેજા, ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, અંજાર પ્રાંત અધિકારી એસ.જે.ચૌધરી, જે.જે. એજ્યુકેશન ફાઉન્ડેશનલ પરિવારના પ્રતિનિધિ ઓ, વાલીગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!