BANASKANTHAGUJARATPALANPUR

જાહેર આરોગ્યના હિતમાં બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ

૪ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ડીસાની પેઢીમાંથી શંકાસ્પદ ૨૭૦ કિ.ગ્રા.ઘી અંદાજિત કિંમત રૂ. ૧,૬૭,૪૦૦/- નો જથ્થો જપ્ત કરાયો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા જાહેર આરોગ્યના હિતમાં ડીસા ખાતે ભેળસેળવાળું ઘી ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ડીસા ખાતે મે.તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સના માલિક લાલચંદભાઈ અમૃતલાલ પંચીવાલાને ત્યાં ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી.એચ.પટેલ અને ફૂડ સેફટી ઓફિસર શ્રીમતી ઇ.એસ. પટેલ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન પેઢી દ્વારા ઘીનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું. ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ કાચા માલની વિગતો પેઢી દ્વારા રજૂ કરવામાં આવી ન હતી. પ્રાથમિક રીતે ઘી શંકાસ્પદ લાગતાં તાત્કાલિક નમૂનો લેવામાં આવ્યો અને સરકારી ફૂડ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો.આ સાથે જ પેઢીમાંથી ૨૭૦ કિ.ગ્રા.ઘી, અંદાજિત કિંમત રૂ. ૧,૬૭,૪૦૦/- નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ પેઢીના માલિક અગાઉ પણ ભેળસેળવાળું ઘી વેચાણ સંબંધિત અનેક વખત પકડાઈ ચૂક્યા છે અને તેઓની વિરુદ્ધ એડજ્યુડિકેટિંગ તથા ફોજદારી અદાલતમાં ગુનાહિત જાહેર થયેલા છે. હાલમાં પણ તેમના વિરુદ્ધ વિવિધ કેસ ચાલી રહ્યા છે. ફૂડ સેફટી વિભાગ દ્વારા જવાબદારો સામે ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.આ ઉપરાંત, સદર પેઢીનું લાઇસન્સ પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર , પાલનપુર દ્વારા રદ કરવામાં આવેલ હતુ. સદર પેઢી દ્વારા હાલમાં સેન્ટ્રલ ફુડ ઓથોરીટી પાસેથી ઘીના ઉત્પાદનનો પરવાનો મેળવેલ છે. સેન્ટ્રલ ફુડ ઓથોરીટીને પણ કરેલ કાર્યવાહીની જાણ કરવામાં આવી છે તેમ બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!