પાલનપુર ખાતે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી કોરિડોર પ્રોજેક્ટ સદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

19 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
અંબાજીને ‘મોડેલ ટેમ્પલ ટાઉન’ બનાવવાનો માસ્ટર પ્લાન: વિશ્વકક્ષાની સુવિધાઓથી સજ્જ બનશે આદ્યશક્તિ ધામ અંબાજી આવનારા ભાદરવી પૂનમના પવિત્ર મેળાને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે મુજબ વિકાસના કાર્યને પ્રાધાન્ય અપાશે.બનાસકાંઠા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરને વિશ્વકક્ષાના આધુનિક સુવિધાઓથી સજ્જ “મોડેલ ટેમ્પલ ટાઉન” તરીકે વિકસાવવાના દ્રષ્ટિકોણ સાથે રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ.૧૬૩૨ કરોડના ખર્ચે ભવ્ય મેગા માસ્ટર પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટના સુચારૂ અને ઝડપી અમલીકરણ માટે આજે કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ અંબાજી કૉરિડોર સહિતની તમામ વિકાસ કામગીરીની વિગતવાર સમીક્ષા કરી અને નિર્ધારિત સમયમર્યાદામાં ગુણવત્તાપૂર્વક કામ પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.સરકારશ્રીની સીધી દેખરેખ હેઠળ ચાલી રહેલા આ પ્રોજેક્ટને બે તબક્કામાં વહેંચવામાં આવ્યો છે, જેમાં પ્રથમ તબક્કાની કામગીરીને પ્રાથમિકતા આપીને ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મુકાયો હતો. બેઠક દરમિયાન ખાસ કરીને આવનારા ભાદરવી પૂનમના પવિત્ર મેળાને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે સુવ્યવસ્થિત આયોજન કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, પીવાનું પાણી, સ્વચ્છતા અને સુરક્ષા જેવી આધારભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી.આ યોજના અંતર્ગત અંબાજી મંદિરથી ગબ્બર પર્વત સુધી “શક્તિ કૉરિડોર”નું નિર્માણ કરવામાં આવશે, જે યાત્રાળુઓ માટે આધ્યાત્મિક અને સુવિધાસભર અનુભવ સર્જશે. સાથે જ ચાચર ચોકનું વિસ્તરણ કરીને તેનું કદ ત્રણ ગણું વધારવામાં આવશે, સતી સરોવરનું આધુનિકીકરણ અને સૌંદર્યીકરણ કરવામાં આવશે, તેમજ યાત્રાળુઓ માટે આધુનિક યાત્રી નિવાસ, સુવિધાસભર ધર્મશાળાઓ, ઇવેન્ટ પ્લાઝા, માર્ગદર્શન કેન્દ્રો અને સ્માર્ટ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંતર્ગત માર્ગોનું વિસ્તરણ, સ્ટ્રીટ લાઇટિંગ, ડ્રેનેજ સિસ્ટમ અને પર્યાવરણમૈત્રીક વિકાસ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં અંબાજી યાત્રાધામને વૈશ્વિક સ્તરે એક આદર્શ ધાર્મિક પર્યટન કેન્દ્ર તરીકે નવી ઓળખ મળશે અને સ્થાનિક રોજગારી તથા આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે.
આ બેઠકમાં યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મેરજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બે તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહી પ્રોજેક્ટના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.







