“વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ”માં સી.આઈ.એસ.એફ.ના રમતવીરોએ ૬૪ મેડલ મેળવતા ડિરેક્ટર જનરલ શ્રી આર.એસ.ભટ્ટીએ પાઠવ્યા અભિવાદન
ઉંચી કુદ, હેમર થ્રો, એથ્લેટીકસ, હાફ મેરેથોન, કુસ્તી વગેરે સ્પર્ધામાં સી.આઈ.એસ.એફ. ટીમે મારી બાજી

વિશ્વના ૭૦ દેશોના દસ હજાર ખેલાડીઓએ લીધો ભાગ: ભારત ૫૬૦ મેડલ જીતીને ત્રીજા સ્થાને રહ્યું
૦૦૦૦૦
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના ડાયરેક્ટર જનરલ શ્રી આર.એસ.ભટ્ટીએ “વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ ૨૦૨૫”માં સી.આઈ.એસ.એફ.એ ૬૪ મેડલ જીતી ભારતને ગૌરવ અપાવતા સ્પર્ધાના વિજેતાઓ અને સ્પર્ધામાં ભાગ લેનારને અભિવાદન પાઠવ્યા હતા. બર્મિંગહામ ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં વિશ્વના ૭૦થી વધુ દેશોના દસ હજારથી વધુ ખેલાડીઓએ તેમાં ભાગ લીધો હતો. આ આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધામાં વિવિધ દેશોના પોલીસ અને ફાયર સર્વિસના કર્મચારીઓ વિવિધ રમતોમાં ભાગ લે છે.
આ આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધામાં ભારતે કુલ ૫૬૦ મેડલ જીતીને ત્રીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે સી.આઈ.એસ.એફ. ટીમે ઉંચી કુદ, હેમર થ્રો, એથ્લેટીકસ, હાફ મેરેથોન, કુસ્તી એમ અલગ અલગ ૬ ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને પોતાનું શ્રેષ્ઠ કૌશલ્ય દર્શાવ્યું હતું અને ૬૪ મેડલ જીત્યા હતા. સી.આઈ.એસ.એફ.એ વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સી.આઈ.એસ.એફ.ના જવાનોની સફળતાએ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે અને વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતીય સુરક્ષા દળોની તાકાત અને સંકલ્પને સિદ્ધ કર્યું છે.




