નારી વંદના સપ્તાહના ભાગરૂપે પાલનપુરમાં મહિલા જાગૃતિ શિબિર યોજાઈ
રોજગારીની તકો, સાયબર સલામતી, ગુડ ટચ-બેડ ટચ અંગે જાણકારી આપી વિવિધ સરકારી યોજનાઓની માહિતી અપાઈ
(માહિતી બ્યુરો, પાલનપુર )
નારી વંદના સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં મહિલાઓ અને છોકરીઓ સશક્ત બને એવા હેતુસર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, પાલનપુર દ્વારા શહેરની આદર્શ નિવાસી શાળા ખાતે મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આશ્રમ શાળાની એક સો થી વધુ છોકરીઓએ ભાગ લીધો હતો.
શિબિર અંતર્ગત મહિલાઓને રોજગારીની તકો, સાયબર સલામતી, ગુડ ટચ-બેડ ટચ અંગે જાણકારી આપી વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. શિબિરમાં શૈક્ષણિક પ્રવૃતિઓને પણ સામેલ કરાઈ હતી જેનું સંચાલન મધુબેન વાઘેલાએ કર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી બી.કે.ગઢવી, કુમાર શાળાના આચાર્યશ્રી, કન્યા શાળાના આચાર્યશ્રી, ફિલ્ડ ઓફિસરશ્રી વર્ષાબેન અને જિલ્લા ફિલ્ડ સંયોજકશ્રી નવીનભાઈ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.