Rajkot: રાજકોટ જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૬ ઓક્ટોબર દરમિયાન ૮માં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાશે
તા.૧૩/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા કલેકટરશ્રી ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
આહારમાં ખાંડ અને તેલનો વપરાશ ઘટાડવા, પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ, વોકલ ફોર લોકલ સહિત પ્રવૃતિ હાથ ધરાશે
રાજકોટ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૧૬ ઓક્ટોબર દરમિયાન ૮માં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે.
જિલ્લા કલેકટરશ્રી ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે આ અંગે બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ બેઠકમાં અધિકારીશ્રીઓને કામની સોપણી કરી, પરિણામલક્ષી કામગીરી કરવા ટકોર કરી હતી.
પોષણ માસ દરમિયાન “સ્થૂળતા, પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ, નવજાત શિશુ અને નાના બાળકોની ખોરાક પ્રથાઓ, પુરુષોની સહભાગિતા વધારવી અને વોકલ ફોર લોકલ” જેવા મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન અને અમલીકરણ કરવા જિલ્લાના અધિકારીશ્રીઓને કલેકટરશ્રીએ સૂચના આપી હતી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, શિક્ષણ, કૃષિ, પંચાયત, ગ્રામ વિકાસ, શ્રમ અને રોજગાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત વિભાગો દ્રારા જુદી-જુદી થીમ મુજબ કામગીરી કરાશે.
જેમાં સ્થૂળતા બાબતે જાગૃતિ, આહારમાં ખાંડ અને તેલનો વપરાશ ઘટાડવો, પરંપરાગત ખાદ્ય પ્રથાઓને ફરીથી અપનાવાય તે માટે પ્રોત્સાહન આપવું, ફળ અને ઔષધીય છોડની પોષણ વાટિકા બનાવવી, કિચન ગાર્ડનને પ્રોત્સાહન આપવું, મારી થાળી, મારો પ્રદેશ ટાઈટલ અંતર્ગત સ્પર્ધા યોજવી, આરોગ્ય કેમ્પ યોજવા વગેરે પોષણલક્ષી પ્રવૃત્તિ હાથ ધરી જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવા કલેકટરશ્રીએ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદે ગ્રામીણ વિસ્તારોમાં પોષણ માસની ઉજવણી દરમિયાન વધુને વધુ લોકોને જોડવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શ્રી જનકસિંહ ગોહિલે પોષણ માસ કાર્યક્રમ અંગેની રૂપરેખા આપી હતી.
તાલીમી સનદી અધિકારી શ્રી વૃષાલી કાંબલે, નિવાસી અધિક કલેકટર શ્રી એ. કે.ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ.કે. વસ્તાણી, અધિક કલેકટશ્રી ઇલાબેન ચૌહાણ, ડે.કલેકટર રૂડા શ્રી સિદ્ધાર્થ ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઇલાબેન ગોહિલ સહિત અધિકારીશ્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.