AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી પડી રહેલા કમોસમી વરસાદનાં પગલે પ્રકૃતિ જાજરમાન અંદાજમાં..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં કુદરતનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે.બુધવારે  વહેલી સવારથી જ જિલ્લાનાં મોટાભાગના ગામડાઓમાં ફરી એકવાર સાર્વત્રિક કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.છેલ્લા બે સપ્તાહથી પડી રહેલા આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે, જે પહેલાથી જ આર્થિક સંકળામણમાં ઘેરાયેલા ડાંગી ખેડૂતો માટે વધુ એક ફટકો છે.વહેલી સવારથી જ ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ગત રાત્રિથી જ ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ હતી.સવાર થતા જ આહવા, સુબિર, વઘઈ, અને સાપુતારા સહિતના તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો.હાલમાં ડાંગ જિલ્લાના ખેડૂતોએ ઉનાળુ પાક, શાકભાજી અને ફળોનું વાવેતર કર્યું હતુ. કમોસમી વરસાદ આ પાકો માટે અત્યંત હાનિકારક સાબિત થઈ રહ્યો છે.તૈયાર થયેલા પાકને પાણી લાગવાથી દાણા કાળા પડી જવા અને ગુણવત્તા બગડવાની સમસ્યા સર્જાઈ.  આ ઉપરાંત, શાકભાજી અને ફળોના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.વારંવાર આવી રહેલા કમોસમી વરસાદથી ડાંગના ખેડૂતો નિરાશામાં ગરકાવ થઈ ગયા છે. ખેડુતો સારો પાક થશે તેવી આશા રાખીને બેઠા હતા, પરંતુ આ કમોસમી વરસાદે તેઓની આશા પર પાણી ફેરવી દીધું છે.ખેડૂતો પહેલાથી જ મોંઘવારી અને દેવાના બોજ તળે દબાયેલા હોય ત્યારે હવે આ નુકસાન કેવી રીતે ભરપાઈ કરશે તે ખેડૂતો માટે પ્રશ્ન બની ગયો છે.ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.આ કમોસમી વરસાદ ડાંગ જિલ્લાના ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ખેડૂતોને આ આર્થિક સંકટમાંથી બહાર કાઢવામાં આવે તે પણ જરૂરી બન્યું છે.તો બીજી તરફ વરસાદી માહોલમાં ડાંગ જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળો સહીત સૂકાભઠ જંગલોમાં લીલોતરી ઊગી નીકળતા પ્રકૃતિમાં પ્રાણ પુરાવવાની સાથે જાજરમાન બની દિપી ઉઠી છે.ડાંગ જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી પડી રહેલા કમોસમી વરસાદનાં પગલે ગિરિમથક સાપુતારાનું વાતાવરણ આહલાદક બની ગયુ છે.હાલમાં સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓ દ્વિચક્રીય ઋતુનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી રહ્યા છે..

Back to top button
error: Content is protected !!