મહિસાગર જિલ્લાની ૧૩૧૬ આંગણવાડી કેન્દ્રમાં મમતા દિનની ઉજવણી કરવામાં આવી.

મહીસાગર જિલ્લાની ૧૩૧૬ આંગણવાડી કેન્દ્રોમાં મમતા દિનની ઉજવણી કરાઈ.

અમીન કોઠારી:- મહીસાગર
મહીસાગર જિલ્લામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલના માર્ગદર્શનમાં તથા પ્રોગ્રામ ઓફિસરશ્રી દક્ષાબેનના સંકલન હેઠળ આઇ.સી.ડી.એસ. ટીમ દ્વારા ગામે ગામ આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે.
જે અંતર્ગત આજરોજ જિલ્લાની ૧૩૧૬ આંગણવાડી કેન્દ્રોમાં મમતા દિન નિમિત્તે એનિમિયા, ડાયરીયા,SAM મેનેજમેન્ટ, રસીકરણ વગેરે વિષયો ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રો ખાતે એનીમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. શાળાએ જતી અને ન જતી કિશોરીઓના HB અને BMI ની તપાસ, સગર્ભા માતાના વજનની ઝુંબેશ રૂપે કામગીરી અને તેની પોષણ ટ્રેકરમાં ડેટા એન્ટ્રી જેવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા “પોષણ માહ ૨૦૨૪”ની ઉજવણી કરવામાં આવી. આ પ્રવૃતિઓમાં ૬૧૩૩ સગર્ભા બહેનો,૪૩૯૦ ધાત્રી માતાઓ, ૦ થી ૦૬ માસના ૩૮૯૨ બાળકો અને ૦૬ માસથી ૦૩ વર્ષના ૩૬૦૮૨ જેટલા બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો.
આજે મમતા દિન નિમિત્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સી. આર. પટેલ, જિલ્લા આર સી એચ અધિકારી ડૉ. કમલેશ. કે. પરમારે લુણાવાડા મુલથાનપુરા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ એનીમિયા, કુપોષણ, રસીકરણ, સમય સર આરોગ્ય તપાસ, હેન્ડવોશિંગ, ઝાડા નિયંત્રણ વગેરે બાબતો વિશે લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.જેમાં આંગણવાડી કેન્દ્ર અને આરોગ્યની ટીમ તેમજ લાભાર્થી માતાઓ કિશોરીઓ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા.



