Rajkot: રાજકોટ જિલ્લામાં રોગચાળો ફેલાતો અટકાવવા ૭૦૦ આરોગ્ય ટીમો મેદાન પર

તા.૩૦/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રોજ ૩.૫ લાખ જનતાનું સર્વેલન્સ, ૫ દિવસમાં સઘન સર્વેલન્સ, ડસ્ટિંગ, કલોરિનેશન સહિતની કામગીરી પૂર્ણ કરાશે
Rajkot: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ રાજકોટના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય તેમજ રોગચાળો ન ફેલાય તે માટે આજથી આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેમાં ૭૦૦ આરોગ્ય ટીમો દ્વારા રાજકોટ જિલ્લાની રોજની ૩.૫ લાખની જનતાનું આરોગ્ય સર્વેલન્સ, જાહેર આરોગ્યની જાળવણી સબબ કલોરિનેશન કરવામાં આવી રહ્યું છે.
આ સઘન ઝુંબેશમાં પાંચ દિવસમાં સમગ્ર રાજકોટ જિલ્લાની ૧૫ લાખથી વધુની જનતાને આવરી લેવામાં આવશે. જેમાં આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે આરોગ્ય સર્વેલન્સ સાથે મચ્છરોના નિયંત્રણ માટે પાણી ભરાયેલ ખાબોચિયાં વગેરેમાં એબેટ નાખવાની કામગીરી, ડસ્ટિંગ તેમજ ઘરે-ઘરે ક્લોરીન ટેબલેટ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં થયેલ અતિવૃષ્ટિ બાદ પાણી ઓસરતા તુરત જ જાહેર આરોગ્યની સુખાકારી માટે આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ ઝુંબેશ અંતર્ગત આજરોજ જસદણ નગરપાલિકાના ૭, ધોરાજીના ૯, ઉપલેટાના ૯, તથા જેતપુર નગરપાલિકાના ૧૪ વોર્ડમાં સફાઇ ઝુંબેશ, દવા છંટકાવ તથા કલોરિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ઉપરાંત ગોંડલના ૧૧ અને ભાયાવદરના ૬ વોર્ડમાં સફાઇ ઝુંબેશ તથા કલોરિનેશનની કામગીરી પૂર્ણ કરાઈ છે.



