ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ : ઈનફ્લોમાં સતત ઘટાડો…!!

સપ્ટેમ્બર મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ.૩૦૪૨૧ કરોડનો નેટ ઈનફ્લો નોંધાયો છે, જે ઓગસ્ટના રૂ.૩૩૪૩૦ કરોડની સરખામણીમાં આશરે ૯% ઓછો છે. આ સતત બીજો મહિનો છે, જ્યારે ઈનફ્લોમાં ઘટાડો જોવાયો છે. જુલાઈ મહિનામાં ઈતિહાસ રચતો રૂ.૪૨૭૦૩ કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી) દ્વારા ગત સપ્તાહના અંતે જાહેર કરાયેલા આંકડા મુજબ, સતત ૫૫મા મહિને પણ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નેટ ઈનફ્લો નોંધાયો છે, જે દર્શાવે છે કે રોકાણકારો હજી પણ ઈક્વિટીને લાંબા ગાળાના વેલ્થ ક્રિએશન માટે વિશ્વસનીય વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.
ઈક્વિટી ફંડ કેટેગરીમાં ફ્લેક્સી કેપ ફંડ્સ સૌથી આગળ રહ્યા છે, જેમાં સપ્ટેમ્બર મહિનામાં રૂ.૭૦૨૯ કરોડનો નેટ ઈનફ્લો નોંધાયો છે. સતત ત્રીજા મહિને આ કેટેગરીમાં મજબૂત ઈનફ્લો જોવા મળ્યો છે. મિડ કેપ ફંડ્સમાં રૂ.૫૦૮૫ કરોડ અને સ્મોલ કેપ ફંડ્સમાં રૂ.૪૩૬૩ કરોડનો ઈનફ્લો નોંધાયો છે, જોકે બન્નેમાં ઓગસ્ટની સરખામણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ, લાર્જ કેપ ફંડ્સમાંથી રૂ.૨૩૧૯ કરોડ ઠલવાયા છે, જેનાથી આ કેટેગરીમાં નેટ આઉટફ્લો નોંધાયો છે.
રોકાણકારોના ધ્યાનમાં હવે સોનાની ચમક વધી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં ગોલ્ડ ઈટીએફમાં રૂ.૮૩૬૩ કરોડનો જબ્બર ઈનફ્લો નોંધાયો છે, જ્યારે સિલ્વર ઈટીએફ્સમાં પણ રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. મલ્ટિ-એસેટ એલોકેશન ફંડ્સમાં રૂ.૫૦૦૦ કરોડ ઠલવાયા છે, જેનું મુખ્ય કારણ સોના અને ચાંદી જેવા કોમોડિટીમાં વધતું રોકાણ છે.



