થરાદ પોલીસે બોલેરો ગાડીમાંથી ૨કિલો ૮૫૨ગ્રામ અફીણનો જથ્થો પકડી પાડ્યો
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ
થરાદ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ભાપડી ગામ નજીક કેનાલ પુલ પરથી શંકાસ્પદ બોલેરો ગાડી રોકી તપાસ કરતા તેમાં છ થેલીઓમાં ભરાયેલ કુલ ૨ કિલો ૮૫૨ ગ્રામ અફીણ મળ્યું હતું. જેની બજાર કિંમત આશરે રૂ. ૭.૫૩ લાખ ગણવામાં આવી છે.મળતી માહિતી મુજબ, એ.પો.કો. પ્રવિણભાઈ નારણાજી તથા વસરામભાઈ ગણેશભાઈ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ગાડી નં. GJ-13-CC-7382ને રોકી તપાસ કરતાં, ડ્રાઈવર તરીકે પ્રકાશભાઈ દેવસીભાઈ રબારી (ઉ.વ. ૨૭, રહે. ભાપડી, તા. થરાદ) હોવાનું બહાર આવ્યું. ગાડીની સીટ પાછળથી કાળા કપડામાં બાંધેલી થેલીઓમાંથી કાળા કલરના ગાંઠાવાળું પદાર્થ મળતા તેની પૂછપરછ કરતાં તે અફીણ હોવાનું સ્વીકાર્યું હતું.પછી સ્થળ પર બોલાવાયેલા સરકારી પંચો તથા એફ.એસ.એલ અધિકારીની હાજરીમાં પદાર્થની તપાસ કરતાં તેમાં ઓપિયમ (અફીણ) હોવું નિશ્ચિત થયું.આ કામગીરી દરમિયાન આરોપીનો ઓપ્પો કંપનીનો મોબાઇલ ફોન (રૂ. ૫,૦૦૦) તથા બોલેરો ગાડી (રૂ. ૧,૦૦,૦૦૦) પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે કુલ ૨ કિલો ૮૫૨ ગ્રામ અફીણ (કિંમત રૂ. ૭.૫૩ લાખ) જપ્ત કરી NDPS ઍક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.