થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું

13 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
અર્બન વન કવચ થરાદ શહેર માટે ફેફસાં સમાન કાર્ય કરશે: પર્યાવરણની જાળવણી આપણી સામૂહિક જવાબદારી: અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી વડાપ્રધાનશ્રીના ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનને જનઆંદોલન બનાવવા થરાદ ખાતેથી વિધાનસભાના અધ્યક્ષશ્રીની જાહેર અપીલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત વાવ-થરાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત અર્બન વન કવચનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, થરાદ અને સમગ્ર બનાસકાંઠા પંથકને હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવું એ સૌની સામૂહિક જવાબદારી છે. “એક પેડ મા નામ” અભિયાન પ્રકૃતિ પ્રત્યેની આપણી લાગણી અને જવાબદારીનું પ્રતિક છે. આ અભિયાન થકી સમગ્ર વિસ્તારમાં હરિયાળી વધશે અને પર્યાવરણ સંરક્ષણને નવી દિશા મળશે.અધ્યક્ષશ્રી શંકરભાઈએ જણાવ્યું કે, “અર્બન વન કવચ” થરાદ શહેર માટે હરિયાળું આવરણ બનીને શહેરના ફેફસાં સમાન કાર્ય કરશે. આ પ્રોજેક્ટ શહેરના પર્યાવરણને વધુ શુદ્ધ બનાવવામાં, જૈવ વૈવિધ્યતાના સંવર્ધનમાં તેમજ આવનારી પેઢીઓ માટે સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ સર્જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ મા નામે” અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે સૌને સક્રિય ભાગીદારી નોંધાવા અપીલ કરી હતી.ગુજરાત સરકારશ્રી, વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર વાવ-થરાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, પર્યાવરણપ્રેમીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ અને હરિયાળા પર્યાવરણના સંદેશ સાથે પર્યાવરણ જાગૃતિનો વ્યાપક સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં થરાદ નગરપાલિકાના પ્રમુખશ્રી અર્જુનસિંહ વાઘેલા, નાયબ વન સંરક્ષકશ્રી, વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.








