BANASKANTHAPALANPUR

મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં ₹160.65 કરોડના કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કરાયું

2 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાને મળશે નવી ઓળખ: એગ્રો-ટૂરિઝમ ક્ષેત્રે નવી સંભાવનાઓ વિકસશે
વિકાસના કાર્યો થકી મારું બનાસકાંઠા બદલાઈ રહ્યું છે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી વિકાસ સાથે પ્રવાસન ક્ષેત્રે નવી તકો સર્જાશે -મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી
બનાસકાંઠા જિલ્લામાં વિકાસને નવી ગતિ આપવા માટે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે નગરપાલિકા પાલનપુર ટાઉનહોલ ખાતે વિવિધ વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં કુલ ₹ 160.65 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનો પ્રારંભ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું, જે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પાલનપુર ખાતે નવી કલેકટર કચેરી ‘ગ્રીન બિલ્ડીંગ’ના આધારે આકર્ષક રીતે વિકસાવવામાં આવી રહી છે, જેને જોતા હવે સ્પષ્ટ લાગે છે કે “મારું બનાસકાંઠા બદલાઈ રહ્યું છે.” આવી આધુનિક અને સુવિધાસભર કચેરી માટે હું રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ બિલ્ડીંગમાં પર્યાવરણને અનુકૂળ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં દિવસ દરમિયાન લાઈટનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તેવી ડિઝાઇન તથા તાપમાન નિયંત્રણ માટે આધુનિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેથી વર્ષના મોટા ભાગના સમયગાળા દરમિયાન બિલ્ડીંગમાં ઠંડક જળવાઈ રહે.રાજ્ય સરકાર દ્વારા આ નિર્માણ માટે સકારાત્મક અને આગાહીભર્યો અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેમાં લોકોની જરૂરિયાતો અને સંવેદનાઓને ધ્યાનમાં રાખીને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, જે પ્રશાસન અને નાગરિકો વચ્ચે વધુ સારો સંપર્ક સ્થાપિત કરશે. મને વિશ્વાસ છે કે આ ગ્રીન બિલ્ડીંગ ભવિષ્યમાં એક આધુનિક ડિજિટલ બિલ્ડીંગ તરીકે સામે આવશે અને હવે આપણી ફરજ બને છે કે લોકોની સુખાકારી માટે વધુ કાર્યક્ષમતા સાથે સેવા આપીએ. રાજ્ય સરકારે નક્કી કરેલા વિકાસલક્ષી લક્ષ્યાંકો—સસ્ટેનેબલ ગોલ્સ તથા 2047 સુધી વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સ્વપ્નને આપણે સૌ સાથે મળીને સાકાર કરી, સહિયારા પ્રયાસોથી વિકસિત બનાસકાંઠા જિલ્લાની દિશામાં આગળ વધીએ.બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ અને કલેક્ટર કચેરીના મહત્વના કામોનો સમાવેશ થાય છે. આ અવસરે ખાસ કરીને કાણોદર ખાતે રૂ. ૫૩ કરોડના ખર્ચે નિર્મિત બ્રિજનું લોકાર્પણ કરાયું છે, જે અમદાવાદ તરફ જતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવશે. આ ઉપરાંત, દાંતા વિસ્તારમાં મોટા સડાથી નાગેલ સુધીના અંદાજે રૂ. ૩૦ કરોડના ખર્ચે તૈયાર થનારા રિસરફેસિંગ રોડના કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે સ્થાનિક પરિવહનને વધુ સુદ્રઢ બનાવશે.
વિકાસકામોની સાથે જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રની વ્યાપક સંભાવનાઓ પર ભાર મૂકતા જણાવાયું હતું કે, બનાસકાંઠામાં એગ્રો-ટૂરિઝમ અને એસ્ટ્રો-ટૂરિઝમ માટે ઉજ્જવળ તકો રહેલી છે. નવી પેઢીને ખેતી અને ગ્રામીણ જીવનશૈલીનો પ્રત્યક્ષ અનુભવ કરાવવા માટે એગ્રો-ટૂરિઝમ એક મજબૂત આર્થિક સ્ત્રોત બની શકે તેમ છે. આ સાથે જ પ્રવાસન ક્ષેત્રે ‘સર્વિસ સેક્ટર’ને વધુ કાર્યક્ષમ બનાવવાની હાકલ કરવામાં આવી હતી, જેથી જિલ્લાની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જઈ શકાય. રાજ્ય સરકાર દ્વારા વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને ગામડાંથી લઈને શહેર સુધી સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. આવા વિકાસકાર્યોના કારણે સ્થાનિક નાગરિકોને સીધો લાભ મળશે અને વિસ્તારના આર્થિક તથા સામાજિક વિકાસને નવી દિશા મળશે.કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર, જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ. જે. દવે, નિવાસી અધિક કલેકટર શ્રી સી. પી. પટેલ , સહિતના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે થયેલ લોકાર્પણ /ખાતમુર્હુતની વિગતો કાણોદર ખાતે ફ્લાય ઓવરનું લોકાર્પણ: પાલનપુર તાલુકાના કાણોદર જંક્શન પર અમદાવાદ-પાલનપુર હાઈવે પર અંદાજે રૂ. ૫૩.૯૬ કરોડના ખર્ચે નિર્મિત ફ્લાય ઓવરનું લોકાર્પણ કલેક્ટર કચેરીનું ખાતમુહૂર્ત: પાલનપુર મુકામે અંદાજે રૂ. ૫૯.૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી કલેક્ટર કચેરીના મકાનનું ખાતમુહૂર્ત
દાંતીવાડા ડેમ પ્રોજેક્ટ અંતર્ગત રોડનું ખાતમુહૂર્ત: દાંતીવાડા તાલુકામાં મેઈન કેનાલ, દાંતીવાડા ડેમ સર્વિસ રોડના રીસરફેસીંગ કામનું રૂ. ૬.૩૩ કરોડના કાર્યનું ખાતમુર્હુત દાંતા તાલુકામાં માર્ગ સુધારણા: દાંતા તાલુકાના મોટાસડા- નાગેલ-સેબલીયા રસ્તાના રીસરફેસીંગનું રૂ. ૧૮ કરોડના કાર્યનું ખાતમુર્હુત તથા કણબીયાવાસ-ખાઈવાડ રસ્તાના રીસરફેસીંગ માટે રૂ. ૧૨.૫૦ કરોડના કાર્યનું ખાતમુર્હુત પાલનપુર ગ્રામ્ય વિસ્તારમાં નવા રસ્તા: વેડંચા ગામના ગઢ ચડોતર રોડથી સવાયપુરા સુધીનો રોડનું રૂ. ૩.૧૦ કરોડના કાર્યનું ખાતમુર્હુત તથા સલ્લા ગામે રામદેવપીર મંદિરથી દલવાડા રોડ સુધી ૩.૧૦ કરોડના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!