નવસારી: બાળકને મારવું, અપમાનિત કરવું, શારીરિક-માનસિક-ભાવનાત્મક ત્રાસ આપવો કાનૂની રીતે ગંભીર ગુનો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૦૩: બાળકનું મન નાજુક અને સંવેદનશીલ હોય છે. દરેક બાળકને સુરક્ષિત, પ્રેમાળ અને પ્રોત્સાહક વાતાવરણનો અધિકારી છે. એ આપના સૌની સામુહિક જવાબદારી છે. બાળકને મારવું, અપમાનિત કરવું અથવા શારીરિક-માનસિક-ભાવનાત્મક ત્રાસ આપવો તેમનો વિકાસ રોકે છે અને કાનૂની રીતે પણ આ ગંભીર ગુનો છે.
બાળકોને શારીરિક અને માનસિક ત્રાસ સંબંધિત રક્ષણ માટેની વિવિધ કાયદાકીય જોગવાઈઓ છે. જેમાં બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ –૨૦૦૯નાં પ્રકરણ -૪ શાળા અને શિક્ષકોની જવાબદારીઓની કલમ-૧૭ જેમાં બાળકને શારીરિક શિક્ષા અને માનસિક કનડગત ઉપર પ્રતિબંધ છે. આ કલમ હેઠળ કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત કરાશે નહિ. આ જોગવાઈઓ જે કોઈ ભંગ કરશે તેવી વ્યક્તિ સામે આવી વ્યક્તિને લાગુ પડતા સેવા નિયમો હેઠળ શિસ્તવિષયક પગલાં લઇ શકાશે.
ધી જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એકટ –૨૦૧૫ નાં પ્રકરણ-૯ : બાળકો વિરુદ્ધ અન્ય ગુનાઓ જેમાં
*કલમ-૭૫ બાળકને આપેલ ત્રાસની સજા :*
જે કોઈ બાળકનો વાસ્તવિક પ્રભાર અથવા નિયંત્રણ રાખતું હોય તેઓ બાળકને મારઝૂડ કરે, ત્યજી દે, દુરુપયોગ કરે,ખુલ્લું કરે અથવા જાણી જોઇને બાળકને ધિક્કાર કરે અથવા બાળકને મારઝૂડ, ત્યજી દેવા, દુરુપયોગ કરવા ખુલ્લું કરવા અથવા તેવી રીતે ધિક્કારે જેનાથી તે બાળકને બિનજરૂરી માનસિક અથવા શારીરિક યાતના ભોગવવી પડે તેના માટે પ્રાપ્ત કરે, તો તેઓ ત્રણ વર્ષ સુધીની કેદની સજા અથવા એક લાખ સુધીનો દંડ અથવા બંનેની સજાને પાત્ર ઠરશે
વધુમાં એ શરતે કે તેવો ગુના કોઈ સંસ્થામાં કાર્ય કરતાં અથવા તેને વહીવટ કરતાં કોઈ વ્યક્તિ દ્રારા આચરવામાં આવશે, જે સંસ્થાને બાળકની કાળજી તથા રક્ષણ સોંપાયેલ છે, તો તેઓ પાંચ વર્ષ સુધીની સખત કેદની સજા તથા પાંચ લાખ રૂપિયા સુધીના દંડની સજાને પાત્ર ઠરશે.
એવી પણ શરતે કે, ઉપરોક્ત ક્રૂરતાના કારણે, જો બાળક શારીરિક રીતે અશક્ત થઇ જાય અથવા કોઈ માનસિક બિમારી સર્જે અથવા તે રોજિંદા કાર્યો કરવામાં અક્ષમ થઇ જાય અથવા તેની જિંદગી તથા શરીરને જોખમ હોય, તો તેવી વ્યક્તિ ત્રણ વર્ષ કરતાં ઓછી ન હોય તેમજ દસ વર્ષ સુધીની કેદની સજા તેમજ પાંચ લાખ રૂપિયા સુધીના દંડની સજાને પાત્ર ઠરશે.
*કલમ-૮૨. શારીરિક ઈજા :*
કોઈ પણ વ્યક્તિ જે બાળકનો પ્રભાર સંભાળતો હોય અથવા બાળ સંભાળ સંસ્થામાં નિયુક્ત થયેલ હોય, જે કોઈ બાળકને શિસ્તબદ્ધ કરવા માટે તેને શારીરિક સજા આપે તો તેઓ પ્રથમ અટકાયત વખતે, દસ હજારનો દંડ ચુકવવાને પાત્ર ઠરશે તેમજ ત્યાર પછીના દરેક વખતના ગુના માટે તેઓ ત્રણ માહિના સુધીની કેદની સજા અથવા દંડ અથવા બંનેની સજાને પાત્ર ઠરશે.
જો કોઈ પણ વ્યક્તિ પેટા-કલમ(૧)માં સંદર્ભ કરેલ સંસ્થામાં નિયુક્તિ પામેલ હોય, અનેતેઓને તે પેટા-કલમ હેઠળના ગુના અંગે અટકાયત કરવામાં આવે તો તેવી વ્યક્તિ સેવામાંથી બરતરફીને પાત્ર ઠરશે તેમજ ત્યાર પછી બાળકો સાથે પ્રત્યક્ષ રીતે કાર્ય કરવાથી પ્રતિબંધિત રહેશે.
જ્યાં કોઈ શારીરિક સજા અંગે પેટા-કલમ(૧)માં સંદર્ભ કરેલ સંસ્થામાં જાણ કરવામાં આવે અને તેવી સંભાવના વહીવટીઓ તપાસમાં સહાય ન આપે અથવા સમિતિ અથવા બોર્ડ અથવા અદાલત અથવા રાજ્ય સરકારના હુકમોનું પાલન ન કરે, તો સંસ્થાના વહીવટના પ્રભારી વ્યક્તિ ત્રણ વર્ષથી ઓછી ન હોય તેટલી કેદની સજા તથા એક લાખ રૂપિયા સુધીના દંડની સજાને પાત્ર ઠરશે.
જિલ્લા બાળ સુરક્ષા એકમ, નવસારી દ્વારા જાહેર જનતાને, માતા-પિતાને, તમામ શાળા સંચાલકોને, શિક્ષકોને તથા હિતધારકોને અપીલ કરવામાં આવે છે કે, કોઈપણ વ્યક્તિ દ્વારા આ કાયદાનો ભંગ ન થાય તેની કાળજી રાખીએ, શારીરિક દંડને સંપૂર્ણપણે દૂર કરીપોઝિટિવ ડિસિપ્લિન અપનાવવી, બાળકની ભાવનાઓ, સ્વમાન અને કલ્યાણને પ્રાથમિકતા આપીએ, .બાળકો પર થતો કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર માત્ર કાનૂની ભંગ નથી, પરંતુ સમાજના નૈતિક મૂલ્યોને પણ નુકશાન કરે છે. જિલ્લા બાળ સુરક્ષા એકમ, નવસારી આ બાબતએ સહકાર અને સંવેદનશીલતાની અપેક્ષા રાખી સૌ સાથે મળી બાળકો માટે મૈત્રીપૂર્ણ, સુરક્ષિત અને સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરવા અપેલ કરી છે. તથા વધુ માહિતી તથા ફરીયાદ માટે ચાઇલ્ડ હેલ્પલાઇન –1098 (૨૪×૭) અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમ, નવસારી ૦૨૬૩૭-૨૮૧૪૪૦ ઉપર સંપર્ક કરવા અખબારીયાદીમાં જણાવાયું છે.



