GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના ગાંધી સ્મૃતિ અંડરબ્રિજ ખાતે રૂ.૩.૫ કરોડના ખર્ચે સૌંદર્ષીકરણનો પ્રોજેક્ટ કાર્ય પૂરજોશમાં…

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

નવસારી શહેરને સ્માર્ટ સિટીની હરોળમાં લાવવા અને શહેરી આધુનિકીકરણના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શહેરના વ્યસ્ત એવા ગાંધી સ્મૃતિ અંડરબ્રિજ વિસ્તારમાં અંદાજે ₹૩.૫ કરોડના ખર્ચે અત્યાધુનિક ‘સુંદર લાઇટ ગાર્ડનિંગ’, વોક-વે અને બેઠક વ્યવસ્થા વિકસાવવાની કામગીરી શરૂ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ નવસારીના નાગરિકોને રાત્રિના સમયે રોશનીથી ઝળહળતું એક નવું અને આકર્ષક નજરાણું જોવા મળશે. આ પ્રોજેક્ટની તાંત્રિક વિગતો અને પ્રગતિ પર નજર કરીએ તો, હાલમાં ફેઝ-૧ ની ૫૦% જેટલી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. હાલમાં બાંધકામ સાઇટ પર પાયાના કામો જેવા કે એસ્કેવેશન (ખોદકામ), સોઇલ સ્ટેબિલાઇઝેશન (જમીન મજબૂતીકરણ) અને ગનાઇટિંગ (Guniting) ની પ્રક્રિયા પ્રગતિમાં છે. આ ઉપરાંત, માળખાગત મજબૂતી માટે નેઇલિંગ વર્ક (Nailing), સ્ટીલ બાઈન્ડિંગ અને કટિંગ તેમજ રાફ્ટ ફાઉન્ડેશન માટે કાસ્ટિંગ અને ક્યોરિંગ જેવી સઘન સિવિલ કામગીરીઓ એન્જિનિયરોની સીધી દેખરેખ હેઠળ ચાલી રહી છે. સૌંદર્યોકરણના આ પ્રકલ્પમાં ખાસ કરીને ‘ગ્લો ગાર્ડન’ મુખ્ય આકર્ષણ રહેશે, જેમાં આધુનિક લાઈટિંગ સિસ્ટમ દ્વારા રાત્રિના સમયે બગીચાને જીવંત કરવામાં આવશે. નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને અહીં સુવ્યવસ્થિત વોક-વે (ચાલવા માટેનો રસ્તો) અને પરિવાર સાથે બેસી શકાય તેવી આરામદાયક બેઠક વ્યવસ્થાનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગાંધી સ્મૃતિ અંડરબ્રિજની આસપાસની ખાલી જગ્યા જે અત્યાર સુધી બિનઉપયોગી હતી, તેને હવે નવસારીનું એક મોડેલ પબ્લિક સ્પેસ બનાવવામાં આવી રહ્યું છે. નવસારી મહાનગરપાલિકાના હેઠળ, આ પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગાંધી સ્મૃતિ અંડરબ્રિજનું આ નવું પ્રોજેકટ નવસારીના આધુનિકીકરણમાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે.

Back to top button
error: Content is protected !!