
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકામાં હાલ ચાલી રહેલી ખાતારની અછતથી ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડાંગરની રોપણી પછી હવે ફોસ્ફેટીક અને યુરિયા ખાતરની તાત્કાલિક જરૂરિયાત છે, પરંતુ પૂરતું ખાતર ઉપલબ્ધ ન હોઈ ખેડૂતોને લાંબી રાહ જોવી પડી રહી છે.એક ખાનગી દુકાને ખાતર વિતરણ શરૂ થતાં સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. દુકાનમાં મર્યાદિત જથ્થો ઉપલબ્ધ હોવાથી માત્ર 200 ખેડૂતોને ટોકન અપાયા અને દરેકને માત્ર એક બેગ ખાતર આપવામાં આવ્યું. જ્યારે ઘણા ખેડૂતોને વધુ ખાતરની જરૂરિયાત હોવા છતાં તેઓ એક બેગ લઈને સંતોષ માનવામાં મજબૂર બન્યા.આ મુદ્દે શામળા ફળીયાના એક ખેડૂતે જણાવ્યું કે, “મારે ખેતરમાં ઓછામાં ઓછી નવ બેગ ખાતર જોઈએ, પણ આજે એક જ બેગ મળી છે. એ પણ ટોકન મળ્યું તેથી. ઘણા લોકો તો ખાતર મળ્યા વિના જ પરત ફર્યા.”તાલુકાની સહકારી મંડળીઓ તથા ખાનગી દુકાનોમાં સરકારી સબસીડી હેઠળ ખાતર આપવામાં આવે છે, છતાં પૂરતા જથ્થા ના આવકાર્ય કારણે ખેડૂતોને યોગ્ય સમયે ખાતર મળી રહે તે શક્ય બનતું નથી.ખેડૂતોમાં લાગણી વ્યાપી છે કે, સરકાર દ્વારા ખાતરનો પૂરતો જથ્થો ઊપલબ્ધ કરાવવો જોઈએ જેથી ખાતરની સ્થિતિમાં સુધારો આવી શકે અને આર્થિક રીતે પીડાતા ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે.




