વીજકરંટથી 2ના મોત:વાલિયાના ગુંદીયા ગામે વીજકરંટ લાગવાથી ભાભી અને દિયરના મોત

સમીર પટેલ, ભરૂચ
વાલિયા તાલુકાના ગુંદીયા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં રહેતાં દીયર અને ભાભીના વીજકરંટ લાગવાના કારણે મોત થયાં છે. શેરડીના ખેતરમાં ભેલાણ રોકવા માટે ખેડૂતેે ઇલેકટ્રીક વાયરો લગાવ્યાં હતાં. બે દિવસ પહેલાં બનેલી ઘટનામાં સમાજના અગ્રણીઓની સમજાવટથી મામલો થાળે પાડી દીધો હતો પણ પોલીસના ધ્યાને વાત આવતાં તેમણે બંને મૃતદેહના પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની સાથે વિસેરાના નમૂના લીધાં છે.
ગુંદિયા ગામની સીમમાં આવેલ રામસિંગ વસાવાએ તેના શેરડીના ખેતરમાં જંગલી પ્રાણીઓ પાક બગાડ નહીં કરે તે માટે તાર લગાડી તેમાં વીજ પ્રવાહ છોડી દીધો હતો.તે અરસામાં ગત તારીખ 3 ઓગસ્ટથી 12:30 કલાકથી 4 થી ઓગસ્ટ સવારે 8 કલાક દરમિયાન ગુંદિયા ગામના અને દિયર અને ભાભી વીજવાયરને અડી જતાં તેમના મોત થયાં હતાં. દીયર અને ભાભી વચ્ચે પ્રેમસંબંધ હોવાથી તેઓ ગામની સીમમાં મળવા માટે ગયાં હતાં. મૃતકોની ઓળખ સવિતા વસાવા અને પ્રવિણ વસાવા તરીકે થઇ હતી. તેઓ બંને ગુંંદિયા ગામના રહેવાસી છે.
મૃતક પ્રવિણ વસાવા વાલિયા પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતો હતો. બંને ગુમ થયા બાદ ભાભીના પરિવારજનો શોધખોળ માટે નીકળ્યાં હતાં તે દરમિયાન શેરડીના ખેતર નજીકથી તેઓના મૃતદેહ મળી આવ્યાં હતાં. ત્યારબાદ બંનેના પરિવાર અને સમાજના આગેવાનોએ સમાધાન કરી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જો કે બનાવની જાણ થતાં વાલિયા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. બંને મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.
બંને મળવા ગયાં ત્યારે ઘટના બની હતી
યુવાન અને યુવતી બંને દિયર ભાભી જ હતા અને પરિવારના જ છે. બંને પરણિત છે .પ્રેમસંબંધ હોવાથી રાત્રિના સમયે બંને ખેતરમાં મળવા જતા કરંટ મુકેલ હોવાથી તેમાં કરંટ લાગતા મૃત્યુ પામ્યા હતા. બંનેના પરિવારજનો એ સમાધાન કરી અંદરો અંદર પતાવટ કરી નાખેલ પરંતુ પોલીસને જાણ થતા કાયદેસર પીએમ કરાવી અકસ્માત મોત ગુનો દાખલ કર્યો છે. તેની તપાસ ચાલુ છે. પોલીસ માટે પણ આ રીતે ખેડૂતો વીજકરંટવાળી ફેન્સિંગ કરતાં હોવાથી ગુનેગારોની તપાસ કરવી અઘરી પડી ગઈ છે.
અગાઉ દોલતપુર ગામે યુવાનનું મોત થયું હતું
ગત વર્ષે વાલિયાના દોલતપુર ગામે નેત્રંગના યુવાનનું ખેતરમાં જંગલી ભૂંડથી પાકને બચાવવા લગાવેલી ફેન્સિંગને અડી જતાં મોત થયું હતું. જો કે ખેતર માલિકે તેના મૃતદેહનો સુકવાણા ગામ નજીક ફેંકી દીધો હતો. આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ કબૂલ્યું કે તેમણે ખેતરમાં બીટી કપાસને ભૂંડથી બચાવવા માટે લોખંડના સેન્ટિંગ વાયરમાં હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહ આપ્યો હતો.આરોપીઓએ મૃતદેહને પ્રથમ કપાસના ખેતરમાં સંતાડ્યો અને રાત્રે ખાતરની કોથળીમાં ભરીને ટીવીએસ સ્ટાર બાઈક પર સુકવાણા ગામની સીમમાં ફેંકી દીધો હતો.




