
નર્મદા જિલ્લાના ભાદોડ ગામે ‘જલ અર્પણ દિવસ’ની ઉજવણી કરાઈ
તાહિર મેમણ – ડેડીયાપાડા – 20/03/2026 – જલ શક્તિ મંત્રાલય દ્વારા દેશવ્યાપી સ્તરે જલ મહોત્સવ ૨૦૨૬ અભિયાન ઉજવાઈ રહ્યું છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ભાદોડ ગામ ખાતે ‘જલ અર્પણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે દેડિયાપાડા પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડે તથા યુનિટ મેનેજર શ્રીમતી ભાવના ગામીત હાજર રહ્યા હતા. તેમના હસ્તે ભાદોડ ગામને “હર ઘર જલ” ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. સાથે જ “જલ બંધન” તથા “જળ પ્રતિજ્ઞા” દ્વારા ગ્રામજનોમાં પાણી સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
જિલ્લા સંયોજક (વાસમો) શ્રી રાકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાદોડ ગામને સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ વિકાસ માટે પસંદ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના પ્રયાસોથી ગામમાં પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ બનવામાં આવી છે.
કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને પાણીના સંરક્ષણ અને યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ભાદોડ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સરપંચ, પાણી પુરવઠા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી સાગબારા, TDO, TPEO તથા ગ્રામજનો તથા આજુબાજુ પંચાયત ના સરપંચ- તલાટી સહિત વાસ્મો વિભાગના અધિકરી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




