ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ ભક્તિ અને આસ્થાના મહામેળામાં કલેકટરશ્રીએ યાત્રિકો સાથે વહેંચ્યો ઉમળકો

4 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ત્રિશુળીયા ઘાટ ખાતે કલેકટરશ્રી મિહિર પટેલે યાત્રિકો સાથે સંવાદ સાધ્યો મહામેળામાં તંત્રની સુવિધાઓથી યાત્રિકો ખુશાલ: કલેકટરશ્રીએ પદયાત્રિકોની ભક્તિ અને શ્રદ્ધાને બિરદાવી
શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૫માં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ માઁ અંબેના દર્શેને ઉમટ્યું છે. પદયાત્રીઓને તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેનો લાભ માઇભક્તો લઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે ત્રિશુળીયા ઘાટ ખાતે પધાર્યા હતા. અંબાજી તરફ પદયાત્રા કરતા યાત્રિકોને તેમણે મળીને તેમની શ્રદ્ધા અને ભક્તિને બિરદાવીને યાત્રિકોના પ્રતિભાવો વિશે માહિતી મેળવી હતી.
કલેકટરશ્રીએ યાત્રિકોના ઉમળકાભેર ઉત્સાહને વધાવી તેમને યાત્રા દરમ્યાન જરૂરી સુવિધાઓ અને સુરક્ષાની વ્યવસ્થા અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અંગે યાત્રિકો પાસેથી રિવ્યૂ જાણ્યા હતા. તેમણે યાત્રિકોને સુરક્ષિત અને સુખદ યાત્રા માટે શુભકામનાઓ પાઠવતા સૌને આ પવિત્ર યાત્રામાં નિયમોનું પાલન કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાની વિનંતી કરી હતી.









