ભરૂચના શાલીમાર કોમ્પ્લેક્સમાં યુકો બેંકમાં આગ: રજાના દિવસે ઘટના, ફાયર બ્રિગેડે કાબૂ મેળવવા પ્રયાસ કર્યા



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના શાલીમાર કોમ્પ્લેક્સમાં રવિવારે યુકો બેંકમાં આગ લાગી હતી. સ્માર્ટ બજાર નજીક આવેલા આ કોમ્પ્લેક્સમાં લાગેલી આગે થોડા જ સમયમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. રવિવારની રજા હોવાને કારણે બેંક બંધ હતી. આગ લાગતા આસપાસના વેપારીઓમાં ચિંતા વ્યાપી હતી. આગનો ધુમાડો દૂરથી દેખાતા લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયરકર્મીઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગ કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલી બેંકમાં લાગી હોવાથી નીચેની દુકાનો સુધી ફેલાવાનો ભય હતો. રજાનો દિવસ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, આગના કારણે મોટા આર્થિક નુકસાનની આશંકા છે. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા અને નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી ચાલુ છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




