ભરૂચ નશાબંધી કચેરીનો જનજાગૃતિ અભિયાન તેજ — શાળાઓમાં નાટકો દ્વારા વિદ્યાર્થીઓને નશામુક્ત જીવનનો સંદેશ

ભરૂચ નશાબંધી અને આબકારી કચેરી દ્વારા નશાના દૂષણ અંગે જાગૃતિ લાવવા માટે જંબુસર અને આમોદ તાલુકાની વિવિધ શાળાઓમાં વિશાળ જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું. અભિયાન હેઠળ પૂર્વી આર્ટ થિયેટર તથા ન્યૂ થિયેટર ટીમ દ્વારા નાટ્યપ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને નશાથી થતા નુકસાન અને નશામુક્ત જીવનના મહત્વ વિશે સ્પષ્ટ અને અસરકારક સંદેશ આપવામાં આવ્યો.
જંબુસર તાલુકાની ગજેરા, મગનાદ અને વડેંચ શાળાઓ તેમજ આમોદ તાલુકાની કોઠી, ઓછન અને રોંઘ શાળાઓમાં પૂર્વી આર્ટ થિયેટર દ્વારા ‘ના મારે જીવવું છે’ નાટકનું પ્રદર્શન કરાયું. જ્યારે ન્યૂ થિયેટર દ્વારા જંબુસર તાલુકાની અણખી, અમનપુર, કારેલી શાળા અને આમોદ તાલુકાની સમની, સર ભાણ અને પુરસા શાળાઓમાં ‘તલપ એક નશાની’ નાટક રજૂ થયું. બંને નાટકો વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવાનો પાયાનો અને પ્રેરણાદાયી સંદેશ આપતા હતા.
નાટકોમાં દર્શાવાયું કે ખરાબ સોબત અને નશા વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવી શકે છે. જીવનમાં સફળતા મેળવવા સમયપાલન, શિસ્ત, સકારાત્મક સોબત અને સ્પષ્ટ ધ્યેય હોવું જરૂરી છે. તલપ નશાની નહીં, મહત્વાકાંક્ષાની હોવી જોઈએ—એવો ઉદ્દબોધનાત્મક સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો.
પ્રસ્તુતિએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે વ્યસન જીવનને બરબાદ કરે છે, જ્યારે સપનાઓ અને કારકિર્દી જીવનને નવા ઊંચાઈ સુધી લઈ જાય છે. આથી દરેક વિદ્યાર્થીએ વ્યસન અને કુસંગને દૂર રાખીને પોતાની કારકિર્દીના લક્ષ્ય તરફ આગળ વધવું જોઈએ.
નાટકોના અંતે રમેશ દેસાઈ, રતિલાલ પરમાર, ગંગારામ મકવાણા અને નયના પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને જીવનમાં સુમેળ, શિસ્ત અને સંકલ્પના મહત્વ વિશે સમજાવ્યું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યો અને શિક્ષકોનો સક્રિય સહયોગ મળ્યો હતો. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નાટકો નિહાળ્યા હતા અને નશામુક્ત જીવન તરફ પ્રેરક દિશા પ્રાપ્ત કરી હતી. આ નશાબંધી અભિયાનને સ્થાનિક સ્તરે વ્યાપક પ્રતિસાદ મળ્યો છે અને ભરૂચ જિલ્લામાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો આ પ્રયાસ અસરકારક સાબિત થયો છે.




