

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અંભેલ ગામ નજીક આવેલા ONGCના GGS-8 પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્લાન્ટથી માત્ર 500 મીટરના અંતરે વસેલા અંભેલ ગામના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આગની ઘટનાની જાણ થતાં જ વાગરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આગના પરિણામે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઊંચે સુધી પહોંચ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.
ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આગ પર નિયંત્રણ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. રાત્રે 12:30 વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને ONGCના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જોકે અધિકારીઓ દ્વારા આ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.




