ગુજકેટની પરીક્ષા માટે ભરૂચ તંત્ર તૈયાર:23મી માર્ચે 18 કેન્દ્રો પર 3405 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં આગામી 23મી માર્ચે યોજાનારી ગુજકેટની પરીક્ષા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. જિલ્લાના 18 કેન્દ્રો પર કુલ 3405 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વિદ્યાર્થીઓમાં 1611 ગુજરાતી માધ્યમના, 1762 અંગ્રેજી માધ્યમના અને 32 હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલના જણાવ્યાં અનુસાર, પરીક્ષા સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. સવારના સત્રમાં ભૌતિક અને રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવામાં આવશે. તમામ પરીક્ષા કેન્દ્રો CCTV કેમેરાથી સજ્જ છે. વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વીજળી, એસટી, આરોગ્ય અને પોલીસ વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને સવારે 9 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવા સૂચના આપી છે. જે વિદ્યાર્થીઓને સતત બે પેપર છે, તેમને પરીક્ષા કેન્દ્ર છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે.



