અંકલેશ્વરમાં સાયબર ઠગાઈનો મોટો કેસ:ગ્રુપ મેનેજરને સ્ટોક ટ્રેડિંગના નામે 1.28 કરોડનો ચૂનો, 14 ફેક એકાઉન્ટ દ્વારા છેતરપિંડી

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર GIDCમાં સંસ્કૃતિ કોટેઝમાં રહેતા અને નોઈડાની કંપનીમાં ગ્રૂપ મેનેજર તરીકે કાર્યરત હાર્દિક પટેલ સાયબર ઠગોના શિકાર બન્યા છે. સાયબર ગેંગે વોટ્સએપ પર સ્ટોક ટ્રેડિંગના ગ્રૂપ અને વેબ પોર્ટલ દ્વારા આકર્ષક વળતરની લાલચ આપી હતી.
ભેજાબાજોએ શરૂઆતમાં નાના રોકાણ પર સારું વળતર આપી વિશ્વાસ કેળવ્યો હતો. આ વિશ્વાસના આધારે હાર્દિક પટેલે 14 જુદા જુદા એકાઉન્ટમાં કુલ રૂ. 1.36 કરોડનું રોકાણ કર્યું હતું. ઠગોએ શરૂઆતમાં થોડી રકમ પરત કરી હતી, પરંતુ જ્યારે હાર્દિકે તમામ રકમ પરત માંગી ત્યારે તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું. આ રીતે કુલ રૂ. 1.28 કરોડની ઠગાઈનો ભોગ બન્યા છે.
આ ગંભીર મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસ સાયબર ક્રાઇમના વધતા જતા કેસોમાં એક વધુ ઉમેરો છે, જેમાં સ્ટોક માર્કેટના નામે લોકોને છેતરવામાં આવે છે. પોલીસે લોકોને આવી ફેક સ્કીમોથી સાવધ રહેવા અને કોઈપણ આર્થિક વ્યવહાર કરતા પહેલા યોગ્ય ચકાસણી કરવા અપીલ કરી છે.




