
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ : નક્ષલ પ્રભાવિત ક્ષેત્રના યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ ગુજરાતની મુલાકાતે આવેલા છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્રના યુવાનો અદાણી દહેજ પોર્ટ અને દરિયો જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. દેશની આયાત અને નિર્યાતના મહત્વના સ્થળ ઉપર પહોચીને અનેક યુવાનો આશ્ચર્યચકિત હતા. એમણે દેશની પ્રગતિના એક કેન્દ્રની મુલાકાતથી અત્યંત પ્રભાવિત થઈને પોર્ટની કામગીરી અને સંચાલન અંગે અનેક પ્રશ્નો પૂછી પોતાની કુતૂહલતા વ્યક્ત કરી હતી.
યુવાનો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત-ભરૂચ દ્વારા આયોજિત યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ ગુજરાતની મુલાકાતે છે. છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્ર રાજ્યના નક્ષલ પ્રભાવિત જિલ્લાના 250 યુવાનો ગુજરાતમાં પ્રથમ કેવડીયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટની મુલાકાત લઈને ઔદ્યોગિક મુલાકાત માટે ભરૂચના દહેજ ખાતે આવેલા અદાણી પોર્ટની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઉડાન હેઠળ આયોજન થયું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય એકતા સુદૃઢ બનાવવી તથા યુવાનોનું સશક્તિકરણ કરવાનું છે. આ અવસરે છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્રના કુલ 250 આદિવાસી યુવાનો તેમજ રાજ્ય સરકારના ૨૫ અધિકારીઓ, એમ કુલ ૨૭૫ પ્રતિનિધિઓએ આદાણી પેટ્રોનેટ (દહેજ) પોર્ટ લિમિટેડની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અંડર સેક્રેટરી રાજકુમાર, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના ડીન મિનલ વસાવા, માય ભારતના ડેપ્યુટી ડિરેક્ટર પંકજ યાદવ સહિત અનેક અધિકારી પણ હાજર હતા.
આદાણી ફાઉન્ડેશન અને આદાણી પોર્ટ દ્વારા મહેમાનોને આવકાર આપી એમની મુલાકાતને યાદગાર બનાવવા પોર્ટ પરિસરમાં 100થી વધુ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ કરે છે. યુવાનોએ સેફ્ટી એક્સેલન્સ સેન્ટર, જેટી, મરીન કન્ટ્રોલ રૂમ, ઓપરેશન્સ કન્ટ્રોલ રૂમ તથા સાયલો જેવી મુખ્ય સુવિધાઓની મુલાકાત લીધી હતી, જેના દ્વારા તેમને પોર્ટ કામગીરી, સલામતી પ્રણાલીઓ અને સંચાલન પ્રક્રિયાઓ વિશે વ્યાપક સમજ મેળવી હતી. અદાણી દહેજ પોર્ટ દ્વારા આવા કાર્યક્રમો મારફતે સમાવેશક વિકાસ, યુવા સશક્તિકરણ અને સામાજિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા પુનઃ દૃઢ કરવામાં આવી છે, જે ભારતના રાષ્ટ્રીય વિકાસ લક્ષ્યો સાથે સંકળાયેલ છે.



