ગુજરાત હાઇકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બની ધમકી, ભરૂચમાં હાઈ એલર્ટ


સમીર પટેલ, ભરૂચ
ગુજરાત હાઇકોર્ટ અને ભરુચ સહિત રાજ્યની 6 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવની ધમકી મળી છે. ધમકીભર્યો મેઇલ મળતાં જ ભરૂચ જિલ્લા ન્યાયાલય પરિસરમાંથી વકીલો સહિત અરજદારોને કોર્ટની બહાર કાઢવામાં આવ્યા છે. એસઓજી એલસીબી સહિતની પોલીસ ટીમોએ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ભરુચ કલેક્ટર કચેરીને પણ ધમકી મળી છે.
RDXથી ઉડાવી દેવાની ધમકી
આજે હાઇકોર્ટ તથા રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં સુરત,આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી LLTE(લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમ) દ્વારા આપવામાં આવી છે. તેમજ તમામને એક જ પેટર્નથી આ ધમકીઓ આપી છે.
પોલીસ કાફલો કોર્ટ પહોંચ્યો
પોલીસને જાણ થતા જ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એસોજી (SOG)ની ટીમો તાત્કાલિક ભરુચ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરે પહોંચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ભરુચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા પરિસરના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી જેથી કોઈ અઘટિત ઘટનાને ટાળી શકાય.
‘જજ સાહેબે અમને બહાર નીકળી જવા જાણ કરી હતી’
ભરૂચ બાર કાઉન્સિલ એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાએ જણાવ્યું કે, સવારે ઇમેલ આવ્યો હતો, જે બાદ અમને જજ સાહેબે અમને બહાર નીકળી જવા જાણ કરી હતી. અમે કોર્ટને વિનંતી કરી કે જે વકીલનું કામ કોર્ટમાં હોય એને રહેવા દે. અમને જ્યાં સુધી કોર્ટમાં જવાની સૂચના ન મળે ત્યાં સુધી અમે બહાર જ રહીશું. હાલ પોલીસની ટીમ અંદરના ભાગે તપાસ કરી રહી છે.
કલેકટર કચેરીને પણ સેમ મેલ આવ્યો
આ ઉપરાંત ભરૂચ જિલ્લા કલેકટર કચેરીને પણ સેમ મેલ આવ્યો હોવાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ દ્વારા કલેક્ટર કચેરી પણ ખાલી કરવામાં આવી છે.





