UK જવા ખોટા લગ્નના દસ્તાવેજો બનાવી આચરાતું કબૂતરબાજી કાંડ ઝડપાયું, વકીલ સહિત 4 સામે ગુનો દાખલ


સમીર પટેલ, ભરૂચ
ખોટા લગ્ન કરાવી યુ.કે. મોકલવાના રેકેટમાં ટોળકી અંગે બ્રિટિશ હાઈ કમિશન અને એમ્બેસીને ભરૂચ પોલીસ કરશે જાણ
ખોટા લગ્ન સર્ટિફિકેટના આધારે યુવાનને યુ.કે. બોલાવી લીધા બાદ પૈસાની લેતીદેતીમાં વિવાદ થતા છૂટાછેડાનું બોગસ જજમેન્ટ પણ બનાવ્યું
પાલેજ પોલીસે યુ.કે. જવા માટે ખોટા લગ્ન દસ્તાવેજો ઉભા કરી આચરાતા કબૂતરબાજી કાંડમાં વકીલ સહિત ટોળકીના 4 સાગરીતો સામે ગુનો દાખલ કર્યો. યુ.કે. મોકલવાના આ રેકેટ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી હતી. પાલેજ PI આંનદ ચૌધરી અને તેમની ટીમેને અરજીની તપાસ દરમ્યાન જણાઇ આવેલ કે, હાલ યુ.કે. રહેતા વલણના રીઝવાન ઇસ્માઇલ મેદાએ પોતાની પત્ની તરીકે જંબુસરની હાલ યુ.કે.માં રહેતી તસ્લીમાબાનુ ઇસ્માઇલ કારભારીની સાથે ખોટા લગ્નના પુરાવા ઉભા કર્યા હતા. તસ્લીમાબાનુ તથા અન્ય આરોપીઓ દ્વારા ખોટુ લગ્ન નોંધણી સર્ટી બનાવી તથા રીઝવાન મેદાએ એજન્ટ સોયેબ દાઉદ ઇખ્ખરીયાને ફોન કરી પોતાની પત્ની તરીકે તસ્લીમાબાનુની યુ.કે. વિઝાની એપ્લીકેશન કરવા જણાવ્યું હતું. વર્ષ 2024 ના ફેબ્રુઆરી મહિનામાં તસ્લીમાબાનુએ તેણીના લગ્નનુ ખોટુ સર્ટી એજન્ટ સોયેબ પાસે રજુ કરતા, ડિપેન્ટેડ વિઝા ઉપર રીઝવાન મેદા ને યુ.કે. બોલાવી લીધો હતો.
બાદ પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે આંતરીક મનદુ:ખ થતા રીઝવાન મેદા એ અરજદાર મિન્હાજ યાકુબ ઉઘરાદાર મારફતે પોલીસ સમક્ષ ખોટી ફરીયાદ અરજી સ્વરૂપે રજુ કરી હતી. તસ્લીમાબાનુના સગા ભાઇ ફૈઝલ તથા કાંઠારીયાના અને હાલ કેનેડામાં રહેતા સાજીદ કોઠીયા નામના વકિલે રીઝવાન તથા તસ્લીમાબાનુ ભરૂચ કોર્ટનુ ખોટુ છુટાછેડાનુ જજમેન્ટ બનાવી સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. ગુનાહિત કાવતરામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોવાનુ પ્રાથમિક તપાસમાં ફલિત થતા પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો.
ચારેય આરોપીઓ ખોટા દસ્તાવેજો બનાવી વિઝા મેળવેલ હોય બ્રીટીશ હાઇ કમીશન તથા એમ્બેસીને જાણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમજ આ ટોળકી દ્રારા ભરૂચ કે અન્ય જીલ્લામાં પણ આ પ્રકારના ગુના આચરેલ છે કે કેમ, તે બાબતે તપાસ હાથ ધરાય છે.






