
ઝઘડિયા જીઆઇડીસીમાં કામદારોનું પોલીસ વેરિફિકેશન નહિ કરાવનાર કંપની માલિક સામે ગુનો નોંધાયો
ઝઘડિયા જીઆઇડીસી પોલીસના ચેકિંગ દરમિયાન નિરામય કેમિકલ કંપનીમાં કામ કરતા ૮ પરપ્રાંતિય કામદારોનું પોલીસ વેરિફિકેશન કરાવેલ ન હોવાનું જણાયું હતું
ઝઘડિયા તા.૨૦ મે ‘૨૫
ભરૂચ જિલ્લાના ઝઘડિયા અંકલેશ્વર પાનોલી દહેજ સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા કામદારોમાં પરપ્રાંતિય કામદારોની સંખ્યા મોટાપ્રમાણમાં છે. રાજ્ય બહારથી આવેલ ઇસમોમાં કેટલાક ઇસમો ગુનાહિત માનસિકતા ધરાવતા હોય એવી સંભાવના રહેલી હોય છે,ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામા મુજબ ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતા કામદારોનું પોલીસ વેરિફિકેશન કરાવવાનું હોય છે. ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ જીઆઇડીસી પોલીસની ટીમે જીઆઇડીસીની વિવિધ કંપનીઓમાં કામ કરતા કામદારોના પોલીસ વેરિફિકેશન બાબતે તપાસ હાથ ધરતા બે દિવસ અગાઉ કંપનીઓમાં કોન્ટ્રાક્ટ પર કામદારો ફરજ પર મુકતા ચાર કોન્ટ્રાક્ટરો વિરુધ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા,ત્યારે ગતરોજ જીઆઇડીસી પોલીસે અન્ય એક કંપની સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસી પોલીસની તપાસ દરમિયાન જીઆઇડીસીની નિરામય કેમિકલ કંપનીમાં નોકરીએ રાખેલ ૮ પરપ્રાંતિય કામદારોનું પોલીસ વેરિફિકેશન કરાવેલ ન હોવાનું જણાયું હતું,તેથી પોલીસે કંપનીના માલિક ફેનિલ દેવચંદભાઇ ભાયાણી રહે.સરથાણા તા.કામરેજ જિ.સુરતના વિરુધ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ઈરફાનખત્રી
રાજપારડી



