
ઝઘડિયા તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિયેશન દ્વારા વિવિધ માંગણીઓને લઇને ઝઘડિયા મામલતદારને આવેદન આપવામાં આવ્યું
રાજ્યના બન્ને એસોસિયેશન દ્વારા અપાયેલ આવેદન મુજબ સરકાર દ્વારા તાત્કાલિક પ્રશ્નો બાબતે ઉકેલ લવાય તેવી માંગ કરવામાં આવી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ ઝઘડિયા તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિયેશન દ્વારા વિવિધ માંગણીઓને લઇને ઝઘડિયા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર (નિલુભાઇ) ની આગેવાની હેઠળ આપવામાં આવેલ આવેદન પ્રસંગે એસોસિયેશનના ઉપપ્રમુખ દેવીસિંગ વસાવા સહિત એસોસિયેશનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આવેદનમાં જણાવાયા મુજબ હાલમાં ભારત સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગુજરાતમાં સાડા ત્રણ કરોડ લોકોને ઘઉં, ચોખા, બાજરી ચણા, મીઠુ વિગેરે દર માસે રેશન ડીલરો દ્વારા વિતરણ કરવામાં આવે છે. આ કામગીરી કરતા રેશન ડીલરો ને માસિક ધોરણે વિતરણ થયેલ અનાજ/ કઠોળ ના ક્વિન્ટલ વજન મુજબ સરકારે નક્કી કરેલ દરે કમિશન આપવામાં આવે છે અને મીનીમમ કમિશન રૂપિયા ૨૦૦૦૦ ડીલરો ને માલ વિતરણ સામે ન મળતું હોય તેવા ડીલરોને રાજ્ય સરકાર દ્વારા ખૂટતી રકમ કમિશન રૂપે આપવા માટેનું નક્કી થયેલ છે, અને તે પ્રમાણે આપવામાં આવે છે. પરંતુ કેટલાક ડીલરોને ટેકનિકલ કારણોસર કમિશન ઓછું મળતું હોવાનું પણ બને છે. રેશન ડીલરોના ગુજરાત રાજ્ય ના બંને એસોસિએશનોના સામૂહિક પ્રયત્નોથી મીનીમમ કમિશન નક્કી કરાવવામાં આવેલ અને તેના પરિપત્ર મુજબ અમલ કરવા માટેની માંગણી સાથે આંદોલન કરવામાં આવેલ તેમજ રાજ્ય સરકાર સાથે થયેલ બેઠકમાં જે રેશન ડીલરોને માસિક ધોરણે રૂપિયા ૨૦૦૦૦ થી ઓછું કમિશન થશે તેવા ડીલરોને રાજ્ય સરકાર ખૂટતી રકમ ઉમેરીને નક્કી થયા મૂજબનું મિનિમમ કમિશન આપશે તેવું નક્કી થયેલ. ત્યારબાદ આ બાબતે વિશ્વાસ રાખીને આંદોલન સ્થગિત રાખવામાં આવેલું અને સરકારના પૂરવઠા વિભાગ તરફથી તારીખ ૨ -૯-૨૦૨૩ ના પરિપત્રમાં જણાવાયું હતું કે જે રેશન ડીલરો ના રેશનકાર્ડ ૩૦૦ થી ઓછા હશે તેવા ડીલરો ને જ રૂપિયા રૂપિયા ૨૦૦૦૦ કમિશન મળશે જેથી ૩૦૦ થી વધુ કાર્ડ હોય પરંતુ તેમની કમિશનની આવક રૂપિયા ૨૦૦૦૦ થી ઓછી હોવાનું ડીલરોની રજૂઆતથી જણાઈ આવતા એસોસિએશન દ્વારા સરકાર ને આ બાબતે વાકેફ કરી સુધારો કરવા સતત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ રજૂઆતને ગાહ્ય ન રખાતા એસોસિયેશન દ્વારા લડત/આંદોલન શરૂ કરવામાં આવ્યું,ત્યારબાદ સરકાર દ્વારા આ આ બાબત સ્વીકારવીને તા.૯-૨-૨૦૨૪ ના પરિપત્રથી સુધારો કરીને ૩૦૦ કાર્ડની શરત દૂર કરવામાં આવી અને વધુ નવી શરતો ઉમેરવામાં આવી તે પૈકી જે રેશન ડીલરોને ત્યાં બાયોમેટ્રિક થી વિતરણની ટકાવારી ૯૭ ટકા થાય તો જ રૂપિયા ૨૦૦૦૦ મીનીમમ કમિશનની પાત્રતા ગણાશે, જેના કારણે ગુજરાત માં કેટલાક રેશન ડીલરો મિનિમમ રૂપિયા ૨૦૦૦૦ નું કમિશન દર માસે મેળવી શકતા નથી. આ બાબતે એસોસિયેશન દ્વારા રાજ્ય સરકારને વારંવાર રજુઆતો કરવામાં આવેલ, અને તેને પણ એક વર્ષ જેટલો સમય વિતવા છતાં આ બાબતે યોગ્ય ઉકેલ હજુ મળ્યો નથી. વળી ભારત સરકારે તારીખ ૨૬-૯-૨૦૨૪ ના રોજ નિર્ણય કર્યો છેકે દેશના સંગઠિત/અસંગઠિત કામદારો/શ્રમિકોને વધેલ મોંઘવારીને ધ્યાને લઇને તેમની આવક માં વધારો થાય અને જીવન નિર્વાહ સરળ રીતે ચલાવી શકે તે માટે દૈનિક આવક રિવાઈઝ કરેલ છે,તેમ આવેદનમાં જણાવાયું હતું. તેથી રાજ્ય સરકારે પણ રેશન ડીલરોનું મીનીમમ કમિશન મોઘવારીને ધ્યાને લઈને રૂપિયા ૩૦૦૦૦ રિવાઇઝ કરવું જોઈએ. વળી કવીન્ટલ દીઠ રૂપિયા ૧૫૦ ના કમિશનને પણ રીવાઇઝ કરવા આવેદનમાં માંગ કરવામાં આવી હતી. ઉપરાંત ભવિષ્યમાં પણ સરકાર જ્યારે જ્યારે મોધવારી ભથ્થામાં વધારો કરે તે પ્રમાણે રેશન ડીલરોના કમિશનમાં પણ વધારો કરાય, તેમજ વિતરણ માટે રેશન ડીલરોને આપવામાં આવતા જથ્થાને વજનમાં ટનના ગુણાંકમાં આપવામાં આવે છે અને વિતરણ કરવાનું કિલોગ્રામ માં આવે છે,તેથી ટુકડેટુકડે થતા વિતરણમાં ટ્રાન્સપોર્ટેશન ઘટ, વાતાવરણ ઘટ અને વેરણ ઘટ પડતી હોય છે,જેથી ડીલરોને ઘટ મજરે આપવામાં આવે તેવી પણ આવેદનમાં માંગ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા એસોસિયેશનની માંગણી મુજબના પડતર પ્રશ્નો તાકીદે ઉકેલાય તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું. જો એસોસિયેશનની માંગણી નહિ સંતોષાય તો ના છુટકે અગાઉ સ્થગિત રાખેલ ગાંધી ચિંધ્યા માર્ગે કરવામાં આવનાર આંદોલનનો આસરો લેવામાં આવશે એમ ચિમકી ઉચ્ચારી હતી.
ઈરફાનખત્રી
રાજપારડી



