મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ખાતે વિવિધ બાલવાડીઓનો આનંદ અને બાળમનોરંજનથી ભરપૂર સ્પોર્ટ્સ ડે નું આયોજન



સમીર પટેલ, ભરૂચ
મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરુચ સંચાલિત ઇરફાન મુન્શી (ઇંગ્લિશ મીડિયમ કિન્ડરગાર્ટન, ગુજરાતી મીડિયમ શિશુ વિહાર તથા ભરુચ શહેરની મુન્શી ટ્રસ્ટ સંચાલિત વિવિધ બાલવાડીઓ) દ્વારા ઉત્સાહ, આનંદ અને બાળમનોરંજનથી ભરપૂર સ્પોર્ટ્સ ડે (ખેલ ઉત્સવ – ૨૦૨૫ ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ વિકસાવવી તેમજ તેમના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. વિદેશથી પધારલા મેહમાનોના વરદ હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનેપાકની સાથે કરવામાં આવી. બાદમાં કે.જી. વિભાગના નાનાં બાળકોએ રનિંગ રેસ, કલેકટિંગ બોલ્સ, પાસિંગ થ્રૂ રીંગ્સ, રસ્સા ખેચ, બલૂન રેસ અને ફન ગેમ્સ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બાળકોના ચહેરા પર દેખાતો આનંદ અને આત્મવિશ્વાસ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પ્રસંગે વિદેશથી પધારેલા મેહમાનો ,મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ કારોબારી સભ્ય તથા શાળાના આચાર્યશ્રી, શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિદેશથી પધારેલા મહેમાનોના વરદહસ્તે સ્પોર્ટ્સમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા, જેને કારણે બાળકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. આચાર્યશ્રીએ બાળકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે રમતગમત બાળકના સર્વાંગી વિકાસ માટે અતિ આવશ્યક છે. રમતગમતથી બાળકોમાં શિસ્ત, સહકાર, આત્મવિશ્વાસ, સહનશીલતા તથા ટીમભાવના વિકસે છે. સાથે સાથે તે બાળકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરે છે અને અભ્યાસ સાથે રમતગમતનું સંતુલન જાળવવાની મહત્વતા પણ સમજાવી. કાર્યક્રમના અંતે તમામ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો.



