BHARUCHBHARUCH CITY / TALUKO

દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક ગોજારો અકસ્માત સર્જાયો, ભરૂચ જિલ્લાના ત્રણ યુવાનોના મોત, પરિવાર સહિત ગામમાં શોક

સમીર પટેલ, ભરૂચ
દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામના ત્રણ યુવાનોના દર્દનાક મોત નિપજ્યા છે. મૃતક યુવાનોની ઓળખ શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ તરીકે થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ત્રણેય યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. આજે સવારે તેઓ પોતાના કામ માટે વાહનમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ભયાનક જ્વાળાઓમાં ત્રણેય યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જોકે કારમાં અન્ય યુવાનો પણ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે તેઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં રોજગારી અર્થે જાય છે. આ ત્રણેય યુવાનો પણ પોતાના પરિવારની આર્થિક સ્થિતી સુધારવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. અકસ્માતના સમાચાર ગામમાં પહોંચતા જ શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયેલો છે.

Back to top button
error: Content is protected !!