
ઝઘડિયા તાલુકાના રાણીપુરા નજીક માટીના બાકી નીકળતા રૂપિયા લેવા ગયેલ વ્યક્તિને માર માર્યો
ગોવાલીના રહીશ પાસેથી માટીની ટ્રકો મંગાવનાર ઇસમે પૈસા લેવા બોલાવી માર મારતા ત્રણ ઇસમો સામે ફરિયાદ
ઝઘડિયા તા.૭ ડિસેમ્બર ‘૨૫
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના રહીશ પાસે માટી મંગાવીને તેના બાકી નીકળતા પૈસા આપવાના બદલે માર મારતા ત્રણ ઇસમો સામે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રહેતા અલ્કેશભાઇ મંગળભાઇ દુધાસણા પાસે પોતાની માલિકીનું એક હાઇવા ડમ્પર છે. આ ડમ્પરનો તેઓ ધંધાકીય ઉપયોગ કરે છે.દરમિયાન અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામના સતિષ સોમાભાઇ પટેલને તેમની સાઇટ માટે માટીની જરૂર હોઇ અલ્કેશભાઇએ એમની સાઇટ પર પંદર ટ્રક જેટલી માટી નાંખી હતી.માટી નાંખ્યાને પાંચેક દિવસ થઇ ગયા હોવા છતાં તેના બાકી નીકળતા રૂપિયા ૪૫૦૦૦ સતિષભાઇએ આપ્યા નહતા.વારંવાર ફોન કરવા છતાં તેમણે બાકી નીકળતા પૈસા આપ્યા નહતા. ત્યારબાદ તા.૪ થીના રોજ તેમણે રૂપિયા ૧૦૦૦૦ આપ્યા હતા. અલ્કેશભાઇએ બાકીની રકમ માટે ફોન કર્યો હતો. ત્યારબાદ સતિષભાઇએ તા.૫ મીના રોજ રાતના સાડા આઠ વાગ્યાના સમયે ફોન કરીને અલ્કેશભાઇને તેમની સાઇટ પર બોલાવ્યા હતા.સતિષભાઇના જણાવ્યા મુજબ અલ્કેશભાઇ રાણીપુરા ગામ નજીક હાઇવે ઉપરથી વૃધ્ધાશ્રમ તરફ જવાના માર્ગ પર ગયા હતા.તે સમયે સતિષભાઇ ત્યાં હાજર હતા.અલ્કેશભાઇ કંઇ સમજે તે પહેલા સતિષની સાથે આવેલ એક છોકરાએ અલ્કેશભાઇ સાથે ગયેલ તેમના પિતાને પાછળથી પકડી લીધા હતા,અને સતિષે તેના હાથમાં રહેલ લાકડીનો સપાટો તેમના જમણા હાથ પર મારી દીધો હતો.ઉપરાંત અક્કુભાઇ અનિલભાઇ પટેલ નામના ઇસમે તેના હાથમાંની લાકડીના સપાટા અલ્કેશભાઇને મારી દીધા હતા. તેમજ સતિષભાઇએ પણ તેમને લાકડીના સપાટા માર્યા હતા.એ લોકોએ ગાળો બોલીને મારી નાંખવાની ધમકી આપી હતી.આ ઘટના દરમિયાન અલ્કેશભાઇ અને તેમના પિતા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા,ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી દવાખાનામાં દાખલ થયા હતા. મારામારીના આ બનાવ સંદર્ભે અલ્કેશભાઇ મંગળભાઇ દુધાસણા રહે.ગામ ગોવાલી તા.ઝઘડિયાનાએ સતિષ સોમાભાઇ પટેલ રહે.બોરભાઠા તા.અંકલેશ્વર, અક્કુભાઇ અનિલભાઇ પટેલ રહે.નવા બોરભાઠા તા.અંકલેશ્વર જિ.ભરૂચ તેમજ એક અજાણ્યો ઇસમ મળી કુલ ત્રણ સામે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



