
રાજપારડી મુકામે મળેલ ઝઘડિયા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની બેઠકમાં નવી કારોબારીની રચના કરવામાં આવી
૭૦ વર્ષ પુર્ણ કરેલ વરિષ્ઠ નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું
ઝઘડિયા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની સાધારણ સભા તાજેતરમાં રાજપારડી ખાતે યોજાઇ હતી.રાજપારડી મુકામે મળેલ મંડળની આ સાધારણ સભામાં નવી કારોબારીની રચના કરવામાં આવી હતી. મંડળના નવા કારોબારી હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે નારણભાઈ મિસ્ત્રી અને મંત્રી તરીકે હરિસિંહ આટોદરિયાની નિમણૂંક કરવામાં આવી હતી. આયોજિત બેઠકમાં ખૂબ મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ૭૦ વર્ષ પૂર્ણ કરનારા નિવૃત્ત કર્મચારીઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા અને રાજ્ય કર્મચારી મંડળમાંથી પંડ્યા સાહેબ, ખેર સાહેબ તથા સાધુ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મંડળને ઉભુ કરવામાં પાછલા ૧૨ વર્ષથી જહેમત ઉઠાવનાર રોહિત સાહેબની સેવાઓને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી. આ પ્રસંગે જણાવાયું હતું કે આયોજકોની મહેનત અને કારોબારીની સુંદર કામગીરીને લઇને આજે મંડળ ૪૩૦ જેટલી મોટી સંખ્યામાં સભાસદો ધરાવતું મંડળ બન્યું છે, જે ઝઘડિયા તાલુકા માટે ગૌરવની વાત હોવાનું જણાવાયું હતું. ઉપરાંત બેઠકમાં નિવૃત્ત કર્મચારીઓને લગતા જરુરી પ્રશ્નો પણ ચર્ચામાં લેવાયા હતા. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ ઉપસ્થિત સહુનો આભાર માન્યો હતો.
ઈરફાન ખત્રી
રાજપારડી



