
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા નજીકથી બે ટ્રકમાં ભરેલ માટી જેવો વેસ્ટ સાથે બે ઇસમોને ઝડપી લીધા
સદર વેસ્ટ અંકલેશ્વર જીઆઇડીસીની કંપનીમાંથી ટ્રકોમાં ભરીને તિલકવાડા નજીક ખાલી કરવા લઇ જવાતું હોવાનું બહાર આવ્યું
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા નજીકથી બે ટ્રકોમાં લઇ જવાતા માટી જેવા વેસ્ટના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લીધા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર દહેજ પાનોલી ઝઘડિયા જેવા સ્થળોએ આવેલ ઔદ્યોગિક વસાહતોની કેટલીક કંપનીઓ દ્વારા અવારનવાર ઘન તેમજ પ્રવાહી વેસ્ટ (કચરો) જાહેરમાં છોડાતું હોવાનું બહાર આવતું હોય છે,ઔદ્યોગિક કંપનીઓમાં ઉત્પન્ન થતો આવો વેસ્ટ દુર્ગંધ યુક્ત તેમજ જન આરોગ્યને નુકશાન કરે તેવો હોવાથી આવો ઔદ્યોગિક વેસ્ટ જાહેરમાં ઠલવાય તે ગેરકાયદેસર ગણાય. ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં આવેલ ઔદ્યોગિક કંપનીઓ દ્વારા શંકાસ્પદ કેમીકલ અને ઘન કચરાની હેરફેર થતી હોય તેને પકડીને અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ,તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ.રાઠોડ ટીમ સાથે ઝઘડિયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકિકત મળેલ કે અંક્લેશ્વર જીઆઇડીસીમાં આવેલ નાંદોસલ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી બે હાઇવા ટ્રકોમાં માટી જેવું કાળા કલરનું હેઝાર્ડસ વેસ્ટ ભરીને મહીરા બ્રીક્સ ગામ નલીયા તા.તિલકવાડા જિ.નર્મદા ખાતે ખાલી કરવા જનાર છે,લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલ બાતમીના આધારે ઝઘડિયા નજીક વોચ ગોઠવીને બાતમી મુજબની ટ્રકો આવતા તેમને રોકીને તપાસ કરતા તેમાં તીવ્ર વાસવાળી માટી જેવું હેઝાર્ડસ વેસ્ટ ભરેલ હોવાનું જણાયું હતું. બન્ને ટ્રકોમાં કુલ ૪૯.૫ ટન જેટલું વેસ્ટ ભરેલ હતું.પોલીસે આ વેસ્ટ રાખવા તથા વહન કરવા બાબતે ટ્રકોના ડ્રાઇવરો પાસે પુરાવા માંગતા તેઓએ બીલ પુરાવા રજુ કરેલ પરંતુ બીલમાં જણાવ્યા મુજબનુ કેમિકલ નહીં ભરેલ હોવાનું જણાયું હતું, જેથી પોલીસે બન્ને ટ્રકોમાં ભરેલ માટી જેવું હેઝાર્ડસ વેસ્ટ તેમજ બન્ને ટ્રકો મળીને કુલ રૂપિયા ૧૪,૦૦,૫૮૪/- ના મુદ્દામાલ સાથે ટ્રકો સાથે હાજર મળેલ બે ઇસમો સોહન રેવસીંગ ભાભોર તેમજ મિલેશ નાનકા વસુનીયા બન્ને રહે.મધ્યપ્રદેશનાને ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ઈરફાનખત્રી
રાજપારડી




