જંબુસરમાં પોલીસકર્મી સામે ACB એ લાંચનો ગુનો નોંધ્યો: અરજદારને હેરાન ન કરવા ₹75,000ની માંગણી કરી હતી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ જંબુસર પોલીસ સ્ટેશનના વર્ગ-3ના સશસ્ત્ર પોલીસકર્મી નારણ ફતુભાઈ વસાવા સામે ₹75,000ની લાંચ માંગણીનો ગુનો નોંધ્યો છે. અરજદારને એક તપાસ પ્રકરણમાં હેરાન ન કરવા બદલ આ લાંચની માંગણી કરવામાં આવી હતી. ACB પોસ્ટે ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદે દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિગતો અનુસાર, નારણ વસાવા અરજદાર વિરુદ્ધ થયેલી અરજીની તપાસ કરી રહ્યા હતા. આ તપાસમાં કાર્યવાહી ન કરવા અને અટકાયતી પગલાંમાં રાહત આપવા માટે આરોપીએ પ્રથમ ₹70,000 અને પછી પતાવટ પેટે ₹5,000 એમ કુલ ₹75,000ની લાંચ માંગી હતી. ફરિયાદ મુજબ, લાંચની માંગણી જંબુસરની “ભાટીયા મોબાઈલ” દુકાન નજીક અને મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં કરવામાં આવી હતી. આ ઘટના આરોપી દ્વારા ગેરકાયદેસર લાભ મેળવવાના ઇરાદાથી કરવામાં આવેલી ગેરવર્તણૂક દર્શાવે છે. આ મામલે વડોદરા શહેર ACBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણ તપાસ કરી રહ્યા છે. સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ મદદનીશ નિયામક આર.આર. ચૌધરી (ACB, સુરત એકમ)ના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે.



