ભરૂચ: દારૂ-ડ્રગ્સનું દુષણ ડામવા સરકાર નિષ્ફળ નિવડી હોવાના કોંગ્રેસના આક્ષેપ, SP કચેરીમાં કરાય રજુઆત

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતીએ રાજ્યમાં દારૂબંધી અને નશાખોરીના વધતા પ્રસાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં એસપી કચેરી ખાતે આગેવાનો અને કાર્યકર ભાઈઓ અને બહેનોએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે,મહાત્મા ગાંધીના મૂલ્યો ધરાવતા ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું સામ્રાજ્ય દિવસ-પ્રતિદિન વિસ્તાર પામે છે. પક્ષે આક્ષેપ કર્યો કે છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકાર દારૂ-ડ્રગ્સની બદીને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે. પાંચ વર્ષમાં 93,691 કિલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ અને 73,163 ડ્રગ્સ પિલ્સ-ઇન્જેક્શન પકડાયા હોવા છતાં કાર્યવાહી અસરકારક નથી. વર્ષ 2020 થી 2024 દરમિયાન 16 હજાર કરોડના 19 ડ્રગ્સ કેસોમાં એકપણ આરોપીને સજા ન થઈ હોવાને કોંગ્રેસે ગંભીર બાબત ગણાવી.કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા નશામુક્તિ માટે કામ કરતી 75 જેટલી સંસ્થાઓની ગ્રાન્ટ પણ બંધ કરી દેવામાં આવી છે, જેનાથી જનજાગૃતિ અભિયાન નબળું પડ્યું છે. જનઆક્રોશ યાત્રા દરમિયાન થરાદના શિવપુર ગામની મહિલાઓ દ્વારા દારૂ-ડ્રગ્સના ખુલ્લેઆમ સેવન અંગે પાર્ટી નેતાઓને રજૂઆત કરવામાં આવી હતી, જેના આધારે સ્થાનિક ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસમાં રજૂઆત કરી. પરંતુ તંત્ર દ્વારા પગલાં ન લેવાતા કોંગ્રેસે ભાજપ સરકાર પર બુટલેગરોને રક્ષણ આપવાનો આક્ષેપ કર્યો. બુટલેગરોએ ખુદ જ શેખી મારી છે કે તેમનો હપ્તો ગાંધીનગર સુધી જાય છે, તેમ કોંગ્રેસે ઉલ્લેખ કર્યો.કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે ઇમાનદાર અને નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓને પક્ષ હંમેશા બિરદાવે છે, પરંતુ ભ્રષ્ટ તંત્ર અને લાંચિયા તત્વોને ખુલ્લા પાડવાનું કામ ચાલુ રાખશે. કોંગ્રેસની મુખ્ય માંગણીઓમાં રાજ્યમાં દારૂબંધી અને નશાબંધીના કાયદાનો કડક અમલ થયો જોઈએ,નશાખોરી અને ડ્રગ્સના બેરોકટોક વેપાર પર તાત્કાલિક રોક લગાવી, યુવાધનને નશાની અસરથી બચાવવા અસરકારક પગલાં અને મહિલા સુરક્ષા માટે કડક પોલીસ કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. આવેદન કાર્યક્રમ દ્વારા કોંગ્રેસે રાજ્ય સરકારને સ્પષ્ટ ચેતવણી આપી કે દારૂ-ડ્રગ્સનો બેફામ પ્રસાર રોકવા માટે તાત્કાલિક અસરકારક પગલાં લેવાં જરૂરી છે,નહીંતર જનઆંદોલન તેજ કરવામાં આવશે. આ પ્રંસગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી,પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પાલિકા નેતા સમસાદઅલી સૈયદ,પૂર્વ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ,ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.



