ભરૂચમાં માનવતાનું ઉદાહરણ:પતંગની દોરીમાં ફસાયેલા કબૂતરને ફાયર બ્રિગેડના જવાનોએ બચાવ્યું

સમીર પટેલ, ભરૂચ
ઉતરાયણ પછી પણ પતંગના દોરાથી પક્ષીઓને થતી મુશ્કેલીનો એક કિસ્સો ભરૂચમાંથી સામે આવ્યો છે. ભરૂચ શહેરના લાહોરી ગોડાઉન વિસ્તારમાં આવેલી જૂની તાલુકા પંચાયત કચેરી નજીક એક કબૂતર પતંગની દોરીમાં ફસાઈ ગયું હતું. ઊંચાઈ પર ફસાયેલું કબૂતર મુક્ત થવા માટે તરફડી રહ્યું હતું.
આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક રાહદારીની નજર તરફડતા કબૂતર પર પડી. તેમણે કબૂતરને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કબૂતર ખૂબ ઊંચાઈ પર હોવાથી તેઓ મદદ કરી શક્યા નહીં. આથી તેમણે તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી.
ફાયર બ્રિગેડના જવાનો તરત જ સ્થળે પહોંચ્યા અને સાહસિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઊંચાઈ પર ચઢીને ફસાયેલા કબૂતરને સાવચેતીપૂર્વક દોરીમાંથી મુક્ત કર્યું અને તેનો જીવ બચાવ્યો. આ ઘટના માનવતા અને પશુ-પક્ષી પ્રત્યેની સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.




